ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબ ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) ના 47માં સ્થાપના દિવસની ઉજવણી તા. ૪ એપ્રિલના રોજ ધરમપુરની આઇ. ટી.આઇ.ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના શિક્ષા અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં આવેલા NCSM ના વિજ્ઞાન કેન્દ્રો લોકોમાં વિજ્ઞાન જાગૃતિનું કામ કરતાં રહ્યા છે.
૨૦૨૩- ૨૪ માં ૨૩૬૮૦૬ લોકોએ ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. એજયુકેશન ટ્રેની કિંજલ પટેલ, શિવાની પટેલ, હેતલ પરમાર, કૃણાલ ચૌધરી તથા મિલન દેશમુખે અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશે સરળ સમજૂતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અને મુલાકાતીઓને વિવિધ ગેલેરીઓની ગાઈડેડ ટૂર પણ કરાવવામાં આવી હતી.
જુનિયર મેન્ટર રાહુલ શાહે 3D પ્રિન્ટર વર્કશોપનું સંચાલન કર્યું, જેમાં વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટિંગની અદ્યતન ટેકનોલોજીનો પરિચય કરાવ્યો હતો તેમની કુશળતા અને માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓએ 3D પ્રિન્ટીંગની જટિલતાઓને ધ્યાનમાં લઈ વિવિધ ઉદ્યોગોમાં તેની એપ્લિકેશનોને સમજ્યા હતા. 3D પ્રિન્ટરનો ઉપયોગ અને તેમાં વપરાતા કેડ સૉફ્ટવેર વિશે માહિતી આપી હતી તેમજ તેમાં ઉપયોગ થતાં ફિલામેંટ વિશે માહિતી આપી હતી. પ્રાયોગિક પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા, સહભાગીઓએ એડિટિવ મેન્યુફેક્ચરિંગની નવીન દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટે એક સર્જનાત્મક વિજ્ઞાન વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં કોશિકાઓના માઇક્રોસ્કોપિક દૃશ્યો, pH સૂચક પરીક્ષણો અને ઓક્સિડેશન પ્રતિક્રિયાઓ જેવા રસપ્રદ પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા. આ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓએ આકર્ષક અને સુલભ રીતે જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની શોધ કરી હતી. હેંડસોન પ્રવુત્તિ કરી પ્રેક્ષકોએ જટિલ વૈજ્ઞાનિક ઘટનાઓને સુલભ અને રોમાંચક બનાવી હતી.