વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને પ્રતિબંધાત્મક જાહેરનામું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જે અંતર્ગત ઉમેદવારો તથા રાજકીય પક્ષો તેમજ તેમના કાર્યકરો દ્વારા ચૂંટણીલક્ષી પ્રચારના કાર્યક્રમો થશે. જેના કારણે જાહેર સુલેહશાંતિનો તથા કોમી એખલાસનો ભંગ થવાના પ્રસંગો બનવાની સંભાવનાઓને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી એ. આર. જહાએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ ૩૭(૧)થી મળેલી સત્તાની રૂએ તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૪ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવા, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાના યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવા, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ, હાવભાવ કે ચેષ્ટા, ચિત્રો પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજો કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરાવા કે ફેલાવવા, કોઈપણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા કે લોકોને અપમાનિત કરવાના ઈરાદાથી જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા અને વાદ્ય વગાડવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ ચૂંટણી કામગીરી કે સરકારી કમ અર્થે આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોઈ તેવી વ્યક્તિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ના મુંબઈ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!