ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો:પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા કોલેજીયન વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત “શહીદ દિવસ, સ્વચ્છતા અને મતદાન જાગૃકતા” કાર્યક્રમનું આયોજન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. હિરેન જે. પટેલે વિદ્યાર્થીઓને શહીદ દિવસની મહત્વતા અંગે રસપ્રદ માહિતી આપી હતી. મતદાન જાગૃતિ અંગેની મહત્વની બાબતોની ચર્ચા રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક યોગેશભાઈ એ. હળપતિ દ્વારા કરવામાં આવી હતી. એમણે મતદાનનું મહત્વ તેમજ આગામી ચૂંટણી અંગેના વિવિધ પાસાઓની સમજ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા કોલેજના વિદ્યાર્થીઓને આપી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન માટે જઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રકાશભાઈ દ્વારા એમની આગામી ચૂંટણી અંગેની સમજ અને એમની અપેક્ષાઓ અંગે પ્રશ્નોતરી દ્વારા વિસ્તારથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મીડિયાના પ્રતિનિધિ તરીકે પ્રકાશભાઈ ઉપાધ્યાય(ઇન્ડિયા ન્યુઝ તેમજ ગુજરાત ગાર્ડિયન)એ હાજરી આપી હતી. કાર્યક્રમની સમાપ્તિ બાદ તેમણે કોલેજના આચાર્ય ડો. દીપક ડી. ધોબી તેમજ યોગેશભાઈ એ. હળપતિના પ્રતિભાવો લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. હિરેન જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૯૫ વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!