આઝાદ ભારતમાં ૧૯૫૧ થી અત્યાર સુધીમાં લોકસભાની ૧૭ ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો: ૭૭ વર્ષ બાદ વલસાડ બેઠક પર હાલ વર્ષ ૨૦૨૪માં ૧૮૪૮૨૧૧ મતદારો નોંધાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વર્ષ ૧૯૪૭માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ વિશ્વમાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં પ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ ૧૯૫૧માં થઈ હતી, તે સમયે વલસાડ જિલ્લો તેમજ ગુજરાતનું અસ્તિત્વ ન હતું. હાલના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ સુરત જિલ્લામાં થતો હતો અને સુરતનો સમાવેશ બોમ્બે રાજ્યમાં થતો હતો ત્યારે સુરત લોકસભા બેઠકમાં બે સામાન્‍ય બેઠક હતી. આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લામાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આઝાદીના ૭૭ વર્ષ દરમિયાન અત્યાર સુધીની ૧૭ લોકસભા સામાન્ય ચૂંટણીના લેખા જોખા અને વલસાડ લોકસભા બેઠક સાથે જોડાયેલી રસપ્રદ માહિતી વલસાડ બેઠકના ભૂતકાળને જાણવા માટે મતદારોમાં ઉત્સુકતા જગાવે તેવી છે.
આઝાદ ભારતમાં પ્રથમ વાર ૧૯૫૧માં થયેલી વિશ્વની સૌથી મોટી અને સૌથી જુની લોકશાહીની ઓળખ સમાન લોકસભાની ચૂંટણીમાં ૧૧- સુરતની બે સામાન્ય બેઠક પર મતદાન થતા ૮૬૧૩૩૬ મતદારોએ પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં પ્રજાને પોતાના એક એક મતનું મહત્વ અને તેની શક્તિ સમજાતા ૧૯૫૭ની બીજી લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી હતી. તે સમયે પ્રચાર પ્રસારના પૂરતા માધ્યમ ન હતા પરંતુ પ્રજાને લોકશાહીનું મૂલ્ય સમજાતા મતદાન વધ્યું હતું. ઈતિહાસની તવારીખમાં જોઈએ તો આ જ સમય ગાળામાં બીજી રસપ્રદ વાત એ બની હતી કે, આ જ ચૂંટણીમાં ૨૧- વલસાડ(અ.જ.જા) લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને તા. ૨૫ ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ બીજી લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થતા ૩૮૯૫૬૭ મતદારોમાંથી ૨૪૭૦૬૯ મતદારોએ મતદાન કરતા ૬૩.૪૨ ટકા મતદાન થયું હતું.
​તા.૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન થતા ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ ૧૯૬૨માં ત્રીજી લોકસભાની સામાન્ય ચૂંટણી તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૨ના રોજ થઈ હતી. તે સમયે ૬૪.૮૧ ટકા મતદાન થયું હતું. તા. ૧ જૂન ૧૯૬૬ના રોજ સુરતમાંથી વલસાડ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો ત્યારે હાલનો નવસારી જિલ્લો પણ વલસાડમાં જ સમાવિષ્ટ હતો. સુરત અને વલસાડ જિલ્લો છુટો પડ્યા બાદ ચોથી લોકસભા સામાન્ય ચૂંટણી તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ થઈ હતી. ત્યારે નોંધાયેલા ૪૬૫૦૦૦ મતદારોમાંથી ૨૮૮૫૭૪ મતદારોએ મતદાન કરતા ૬૨.૦૬ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ તા. ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ વલસાડમાંથી નવસારી જિલ્લાનું વિભાજન થયા બાદ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બારમી લોકસભાની ચૂંટણી થતા વલસાડ-ડાંગ જિલ્લાની ૨૬- વલસાડ લોકસભાની બેઠક પર ૧૧૩૩૨૬૬ મતદારોમાંથી ૬૪૦૫૨૯ મતદારોએ મતદાન કરતા ૫૬.૫૨ ટકા મતદાન થયું હતું.
અત્યાર સુધીમાં કુલ ૧૭ વાર લોકસભા સામાન્ય ચૂંટણી થઈ ચૂકી છે જેમાં વલસાડ બેઠકની વાત કરીએ તો લોકસભાની વલસાડ બેઠક પર સૌથી વધુ વિક્રમી મતદાન ૨૦૧૯માં ૧૭મી લોકસભાની સામાન્ય ચૂટણીમાં ૭૫.૪૮ ટકા જેટલું થયું હતું. જયારે સૌથી ઓછુ મતદાન ૧૯૯૧માં ૧૦મી લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે માત્ર ૩૫.૨૩ ટકા મતદાન થયું હતું અને હવે આગામી તા. ૭ મે ના રોજ ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ૭૭ વર્ષના આ સમયગાળામાં પ્રથમ લોકસભા ઈલેકશનમાં ૮૬૧૩૩૬ મતદારોએ મતદાન કર્યુ હતું. ત્યારે આગામી ૧૮મી લોકસભાની ચૂંટણીમાં ૧૮૪૮૨૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભારતની ગૌરવશાળી લોકશાહીને જીવંત રાખવા પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે, ઉલ્લેખનીય છે કે, આ સમયગાળામાં સૌથી વધુ મતદારો ૧૮મી લોકસભા ચૂંટણીમાં નોંધાયા છે અને દેશ આઝાદ થયા બાદ થયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો અને અસ્તિત્વ દરેક લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે.

૨૬- વલસાડ બેઠક ૧૯૭૭માં આવી હતી અસ્તિત્વમાં
પ્રવર્તમાન ૨૬-વલસાડ (એસટી) બેઠક ૧૯૫૧માં વલસાડ સુરત જિલ્‍લો અને બોમ્બે રાજયમાં સમાવિષ્‍ટ હોવાથી ૧૧ -સુરત લોકસભા બેઠક તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ ૧૯૫૭ની લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં ૨૧ – વલસાડ (અ.જ.જા) લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૧૯૬૨માં ૨૨ – વલસાડ (એસટી), ૧૯૬૭ માં ૨૪ – વલસાડ (એસટી) નામે બેઠક ઓળખાતી હતી. છેવટે વર્ષ ૧૯૭૭ થી ૨૬ – વલસાડ (એસટી) સીટ તરીકે જાહેર થઇ હતી. જે આજ પર્યંત ચાલુ છે.

વર્ષ ૧૯૯૧માં મહિલા મતદારોએ જ્યારે ૧૯૭૭માં પુરૂષ મતદારોએ સૌથી ઓછુ મતદાન કર્યુ
વર્ષ ૧૯૭૭ થી વર્ષ ૨૦૦૪ દરમિયાન ૯ લોકસભા સામાન્ય ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીઓમાં વલસાડ બેઠક પર કુલ ૪૩૫૩૪૨૭ પુરૂષ અને ૪૨૫૬૪૩૩ મહિલા મતદારો મળી કુલ ૮૬૦૯૮૬૦ મતદારો નોંધાયા હતા. જેમાંથી ૨૩૦૩૦૨૯ પુરૂષ અને ૧૯૫૦૯૩૧ મહિલા મતદાર મળી કુલ ૪૨૫૩૯૬૦ મતદારોએ લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને ધબકતી રાખી હતી. ૨૭ વર્ષના આ સમયગાળામાં કુલ ૮ લોકસભાની ચૂંટણી થઈ જેમાં સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો, વર્ષ ૧૯૯૧માં થયેલી ચૂંટણીમાં નોંધાયેલા ૪૭૭૭૭૫ મહિલા મતદારોમાંથી ૧૪૧૨૨૪ મહિલાઓએ સૌથી ઓછુ મતદાન કર્યુ હતું. જ્યારે પુરૂષોના સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો ૧૯૭૭માં નોંધાયેલા ૨૭૭૦૯૭ મતદારોમાંથી ૧૭૦૪૫૫ પુરૂષ મતદારોએ મતદાન કર્યુ હતું.

વલસાડ બેઠક પર થયેલી લોકસભાની ચૂંટણી ઈતિહાસની તવારીખમાં

૧૯૭૭ થી ૨૦૦૪ સુધીની લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પર નોંધાયેલા મતદારો

Share this post

© 2023 Gujarat Alert. All rights reserved.
Developed By JWinfotech
error: Gujarat Alert Content is protected !!