ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માં પબ્લીક ન્યુસન્સ અટકાવવાના પગલા રૂપે ચૂંટણી ઝુંબેશ /ચૂંટણી પ્રચાર સામગ્રીની તૈયારી કરતી વખતે પર્યાવરણ મિત્ર (ઈકો ફ્રેન્ડલી) પદાર્થોનો ઉપયોગ થાય તે જરૂરી છે. જીવન પોષક અને જીવન રક્ષક પર્યાવરણ માટે સીંગલયુઝ પ્લાસ્ટીક, પોલીથીન જેવી સામગ્રીની લાંબા ગાળાની હાનિકારક અસરો ધ્યાનમાં લઈ નામદાર ભારતીય નિર્વાચન આયોગ દ્વારા તમામ રાજકીય પક્ષો, હરીફ ઉમેદવારો અને તેઓના અધિકૃત એજન્ટ વગેરે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન પર્યાવરણને હાનિકારક આવા પદાર્થો ચૂંટણી સંબંધિત પ્રચાર સામગ્રીની તૈયારી અને ઉપયોગ માટે વાપરશે નહી એવી સૂચના આપવામાં આવી છે.
આ સૂચનાને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૩૩ ની કલમ-૧૪૪ મળેલી સત્તાની રૂએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટ, કાર્યકરો કે સમર્થકો દ્વારારા પર્યાવરણને હાનીકરક એવી સીંગલયુઝ પ્લાસ્ટીક, પોલીથીન જેવી સામગ્રીનો ચૂંટણી સંબંધી પ્રચાર સામગ્રીમાં ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.