ગુજરાત એલર્ટ । વલસાડ
રંગોના તહેવાર તરીકે જાણીતા ધુળેટી પર્વની ઉજવણી તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે કરવામાં આવે એવા શુભ આશય સાથે સતત બીજા વર્ષે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા ધૂળેટીના દિવસે ‘‘કલર રન’’નું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના તિથલ બીચ પર સ્વામિનારાયણ મંદિરથી સાંઈ બાબા મંદિર સુધી પાંચ કિમીની મેરેથોનમાં લગભગ 400 જેટલા શહેરીજનો વહેલી સવારે ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે રેસર્સ ગૃપના કોર સભ્ય અને વલસાડ લોટ્સ હોસ્પિટલના ડો. સંજીવભાઈ દેસાઈએ ધૂળેટી પર્વે યોજાતી કલર રન અને તંદુરસ્તી અંગેનું મહત્વ સમજાવ્યું હતું.
મેરેથોનને સફળ બનાવવા માટે વલસાડના યતીન પટેલ અને નિતેષ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ મેરેથોનમાં ડોક્ટર્સ, ઉદ્યોગપતિ, વેપારીઓ, પત્રકારો તેમજ બાળકો, મહિલાઓ અને પુરૂષો જોડાયા હતા જેઓએ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ મેરેથોન દરમિયાન તિરંગા સાથે પણ કેટલાક દોડવીરો સામેલ થતા દેશભક્તિના દર્શન થયા હતા.
મેરેથોન પૂર્ણ થયા બાદ તમામ દોડવીરો અને તિથલ બીચ પર આવેલા પર્યટકોએ રંગબેરંગી કલરો વડે આનંદ ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ મનાવી આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
મેરેથોન પૂર્ણ દયા બાદ સૌના માટે ચા- નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે કલર રનનું આયોજન કરવા બદલ આયોજકોનો વલસાડના પ્રબુદ્ધ નાગરિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.