ગુજરાત એલર્ટ । વલસાડ
હાલ ગુજરાત બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી જેમ બી. એફ. એન્ડ બી. એફ વાડિયા હાઇસ્કુલની ૬ વિદ્યાર્થિનીઓ ફણસા માછીવાડથી રિક્ષા મારફત સરીગામ કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે જઈ રહી હતી. ત્યારે કનાડુ ફાટક પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર રિક્ષા સાથે અથડાઈ હતી. જો કે રિક્ષા પલટી ખાતા બચી ગઈ પરંતુ બે વિદ્યાર્થિની પ્રાચી ભરતભાઈ ટંડેલ અને ખ્યાતિ જગદીશભાઈ માછીને ઘૂંટણના ભાગે મૂઢ માર વાગ્યો હતો. આ જ અરસામાં એમની જ શાળાના શિક્ષક નિમેષભાઈ કે. ટંડેલ સરીગામ કેન્દ્ર પર સુપરવિઝનની કામગીરી માટે આ જ રસ્તે જઈ રહ્યા હતા. એમણે બનાવની માહિતી મેળવી તરત જ પરીક્ષા કેન્દ્ર સ્થળ સંચાલક તૃષારસિંહ બી. પરમાર તથા હિતેશ સી દોડીયાને તાત્કાલિક જાણ કરી નજીકમાં આવેલા દવાખાનામાં લઇ ગયા હતા, જ્યાં પાટાપિંડી કરી ૯:૪૫ કલાકે બંને વિદ્યાર્થિનીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવી હતી.
સ્થળ સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મણિલાલ સી. ભુસારાને જાણ કરી જરૂરી માર્ગદર્શન લઈ બંને વિદ્યાર્થીઓને યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં મદદરૂપ થયા હતા. પરીક્ષા કેન્દ્ર સ્થળ પર વિદ્યાર્થિનીઓને સહાનુભૂતિ આપી પોતપોતાના બ્લોકમાં બેસાડી હતી ત્યાં PHCની ટીમ દ્વારા સતત ફોલોઅપ સાથે કે. ડી. બી હાઇસ્કુલ સરીગામ કેન્દ્રમાં જોડાયેલા તમામ પરીક્ષા કર્મચારીઓ ખડે પગે રહી વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા માટે માનસિક અને શારીરિક રીતે મક્કમતા સભર તૈયાર કરી સારી રીતે પરીક્ષા આપે એવું આયોજન કરી સંપૂર્ણ પરીક્ષા ભયમુક્ત રીતે આપવા પ્રેરિત કર્યા હતા. વાલીઓએ સરીગામ કેન્દ્રના સ્ટાફ મિત્રો તથા સ્થળ સંચાલક હિતેશભાઈ દોડીયા તથા તુષારસિંહ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.