વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળી, ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા:જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકોને કાયદાકીય જોગવાઈ અને પ્રિન્ટીંગ વિશે માહિતી આપવામાં આવી

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ૨૬- વલસાડ લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કાર્યરત વિવિધ રાજકીય પક્ષો સાથે પ્રથમવાર બેઠક મળી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે, ટેબલ- ખુરશી, માઈક્રોફોન, હોલ અને રેલી સહિતના નક્કી કરવામાં આવેલા ભાવ વિશે માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ભાવનું પત્રક પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષોને ખર્ચ મર્યાદા અને ડિપોઝીટ સહિતની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓના સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે, ઉમેદવાર મહત્તમ રૂ. ૯૫ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારોના ખર્ચની મર્યાદા અને ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે. પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપવા પહેલા મંજૂરી મેળવી લેવાની રહેશે. સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખવા માટે સેન્ટર શરૂ કરાયું છે. પ્રિન્ટીંગ પ્રેસના માલિકો તેમજ સંચાલકોએ ઉમેદવારના પ્રચાર પ્રસાર સંબંધિત છાપેલા પોસ્ટરો અને પુસ્તિકાઓ વગેરે ઉપર પણ દેખરેખ અને નિયંત્રણ બાબતે કલેકટરશ્રીએ સૂચનો કર્યા હતા. ત્યારબાદ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો / સંચાલકો સાથે પણ અલાયદી બેઠક મળી હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ અને નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા ઝાએ વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં પ્રિન્ટ થયેલી જાહેરાતમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ, પ્રિન્ટર, પ્રકાશક અને મુદ્રકનું નામ તેમજ કેટલી નકલ છાપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે આ સિવાય પોતાનું રજિસ્ટર પર નિભાવવાનું રહેશે. નિયમોના ઉલ્લઘંન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે તે બાબતે પણ કાયદાની જોગવાઈથી ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!