વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ૧૭૬૩ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસોમાં જ ૧૭૩૬ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ બે દિવસમાં જ જાહેર મિલકતો પરથી ૩૧૧ વોલ પેઇન્ટિંગ, ૪૩૪ પોસ્ટર, ૩૧૭ બેનર અને અન્ય ૩૧૧ એમ કુલ ૧૩૭૩ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી ૭૪ વોલ પેઇન્ટિંગ, ૧૨૩ પોસ્ટર, ૮૬ બેનર અને અન્ય ૮૦ એમ કુલ ૩૬૩ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ ૧૭૬૩ પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.
આમ, જાહેર મિલકત તથા ખાનગી મિલકતો પરથી ૧૭૬૩ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી લખાણો અને રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!