ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકાનાં કાકડવેરીનો જવાન વિકીભાઈ ઉંઘમાં જ હૃદયરોગના હુમલાનો શિકાર બનતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. ખેરગામ કુંભારવાડમાં રહેતો 29 વર્ષિય યુવાનનું પણ અગાઉ હૃદયરોગના હુમલામાં અવસાન થયું હતું.
વલસાડના કલગામમાં SRPF ગ્રુપ 14 માં ફરજ બજાવતા 37 વર્ષીય વિકી પટેલ નોકરીમાંથી રજા લઈને કાકડવેરી ઘરે આવ્યા હતા. અને મળસ્કે દુઃખદ ઘટનામાં ઉઘમાં હૃદયરોગનો હુમલો આવતા પત્નીએ જગાડતા ઉઠ્યા નહિ, ૧૦૮ માં ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત ઘોષિત કરતા પત્ની હેમાંગીનીબેન ઉપર વજ્રઘાત થયો હતો. 2015માં જ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા. કુલ નવ વર્ષની સરકારી નોકરીની કારકિર્દીમાં તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા. જવાનના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. છ માસ પહેલા જ તેના પિતાશ્રી શંકરભાઈનું પણ અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આભ તુટી પડ્યું હતુ. વિકીના મોત અંગે ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગામીત વધુ તપાસ કરી રહ્યા છે.
આજકાલ યુવાનોમાં હૃદય રોગના હુમલાથી મોત થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખેરગામ કુંભારવાડ ખાતે રહેતા હાર્દિક ભુપતભાઈ લાડ 29 વર્ષિયનુ પણ પહેલી માર્ચે હૃદય રોગના ઘાતક હુમલામાં અવસાન થયું હતું. જે ખૂબ જ તંદુરસ્ત અને મિલનસાર સ્વભાવનો દમણ ખાતે સારી નોકરી કરતો હતો. જેને નખમાં પણ રોગ ન હતો. છતાં હૃદયરોગનો ઘાતક હુમલાનો ભોગ બનતા મા-બાપ અને એક બહેનનો જીવન આધાર વિલાપ કરતાં છોડી ગયો.
યુવાનોમાં હૃદયરોગનો હુમલો હૃદય અને મગજની કાર્યરત પ્રણાલીને ખોરવી નાખે છે.
૪૦થી ઓછી વયના હૃદયરોગના હુમલાનો ભોગ બનતા યુવાનો માટે સ્થાનિક તબીબને પૂછતા વરિષ્ઠ નાગરિકોમાં હૃદયરોગનો હુમલો જીવલેણ બનતો નથી, બચી જાય છે. પરંતુ યુવાનોમાં અચાનક ઘાતક હુમલો હૃદય અને મગજની કાર્યરત પ્રણાલીને ખોરવી નાખે છે જેથી જીવલેણ નીવડે છે. માટે યુવાનોએ કોલેસ્ટ્રોલ, ડિ-ડાયમર બ્લડ સુગર વગેરેનુ પરીક્ષણ કરાવી લેવું જરૂરી છે. જેથી પર્યાપ્ત સારવાર કરી શકાય.