ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્ય સરકાર દ્વારા ‘‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’’ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા ગુજરાતભરમાંથી કુલ ૧૪૦ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી વલસાડ જિલ્લામાંથી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓમાંથી ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજની એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજની ટીવાય બીએસ.સીની વિદ્યાર્થિની સાધના ઓમપ્રકાશ ઉપાધ્યાયના વેસ્ટ ફલાવરમાંથી ધુપબત્તી બનાવવાનો પ્રોજેકટ અને વિદ્યાર્થી સંજય વિનોદભાઈ પટેલનો ગ્રાફિક્સ ડિઝાઈનરનો સ્ટાર્ટઅપ તરીકેનો બિઝનેશ પ્લાનનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા પસંદગી પામ્યો હતો. જેથી ‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’ (Student Entrepreneurship Policy) અંતર્ગત રૂ.૪૦,૦૦૦ ના બીજ ભંડોળ તરીકેનો ચેક રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાએ ઝળહળતી સિધ્ધિ મેળવી ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ કોલેજના આચાર્યશ્રી દિપકભાઈ ધોબી, મદદનીશ પ્રાધ્યાપકશ્રી હરદિપભાઇ ખાચર અને કોલેજ પરિવારે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારર્કિદી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.