ગુજરાત એલર્ટ | આહવા
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ કચેરી, આહવા-ડાંગ દ્વારા આહવા ખાતે રૂ.૪ કરોડ ૫૫ લાખથી વધુની રકમનું તાલુકા સ્પોર્ટ્સ કોપ્લેક્સ રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, તેમ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજ્ન કરતા ધારાસભ્યએ આહવા ખાતે તૈયાર થનારા ઈન્ડોર મલ્ટીપર્પઝ હૉલ ખાતે વિવિધ માળખાગત સુવિધાઓ જેવી કે વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોયલેટ, અને ઇલેક્ટ્રિકલ રૂમ ઉપરાંત અહીં ઉપલબ્ધ થનાર ટેબલ ટેનિસ હૉલ, શૂટિંગ રેન્જ માટેનો હૉલ, જીમનેશિયમ, બેડમિંટન કોર્ટ, હાફ બાસ્કેટ બોલ કોર્ટ, યોગા-ટેકવેંડો અને જુડો માટેની સુવિધા સાથેના મલ્ટીપર્પઝ હૉલ, આહવાના ઉભરતા રમતવીરો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહેશે.
ગ્રાઉન્ડ પલ્સ વન ના આ નવા તૈયાર થનારા મકાનનો લાભ રમતવીરો લેશે, અને અહીંથી વિશિષ્ટ ક્ષમતા સાથેના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય ક્ક્ષાએ પોતાનું કૌશલ્ય દર્શાવી શકશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
આહવા સ્થિત ડાંગ ક્લબ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચોધરી તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો, સબંધિત અધિકારી, કર્મચારીઓ, રમતવીરો, યુવાનો વિગેરેએ ઉપસ્થિત રહી, નવા તૈયાર થનાર સ્પોર્ટ્સ કોમ્પેલેક્સના કાર્યને બિરદાવ્યું હતું.
કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા જિલ્લા રમત વિકાસ અધિકારી અંકુર જોશી તથા તેમની ટીમે સંભાળી હતી.