ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય હસ્તક સેવા આપતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના કૌશલ્ય વર્ધન માટે આરોગ્ય શાખા દ્વારા વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આશા સંમેલન કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ ના ટીમ્બર હોલ ખાતે આયોજિત કરવામા આવ્યો હતો.
આ પ્રંસગે કાર્યક્રમમા ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આશા બહેનો નિષ્ઠા પુર્વક પોતાની ફરજ અદા કરે છે, ગામમા દરેક લોકોની માહિતી રાખવી, દરેકની કાળજી રાખવાનુ કામ આશા બહેનો દ્વારા કરવામા આવે છે. આશા બહેનો પરિવારના સભ્યોની જેમ સાર સંભાળ રાખતી હોય છે. તેઓ હંમેશા આશા બહેનોના પ્રશ્નોની પડખે છે. અને બને તેટલું જલ્દી નિરાકરણ લાવવાની અને તેમની રજૂઆત સંબંધિત વિભાગો સુધી પહોંચાડવાની હૈયા ધરપત આપી હતી.
પુરુષ નસબંધીમાં ગુજરાતમાં ડાંગ જિલ્લો સૌપ્રથમ ક્રમે આવતા સૌ આશા બહેનો ની કામગીરી ને બિરદાવી હતી.
જિલ્લામા કુંટુબ કલ્યાણ, રસીકરણ, પ્રધાનમંત્રી જન આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાક ઇનામ વિતરણ કરાયા હતા.
આશા ફેસિલીટેટર સંમેલન માં આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી આરોગ્ય સમિતિના અધ્યક્ષતા તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાશું ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી અનુરાધા ગામીત તેમજ આશા બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી હતી.