પી.એમ. મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ કર્યું: શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીના બલીઠા ખાતે વંચિત વર્ગો માટે આઉટરીચ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પીએમ-સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું. જે અંતર્ગત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીના બલીઠા ખાતે વિકસિત ભારત, વિકસિત ગુજરાત હેઠળ પીએમ (SU-RAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચિંગ અને વંચિત વર્ગો માટે આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં ૫૨૨ જેટલા જિલ્લાઓ ૧ લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારો માટે PM SU-RAJ રાષ્ટ્રીય પોર્ટલ વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વંચિત વર્ગોના લાભાર્થીઓ માટે પીએમ-સુરજ પોર્ટલ હેઠળ સ્કિલ ડેવેલોપમેન્ટ તેમજ સાધન સહાય દ્વારા રોજગારીની તકો પુરી પાડશે. આ યોજનાઓ હેઠળ વિવિધ લાભાર્થીઓને નજીવા દરે લોનની સહાય પણ મળશે.

સફાઈ કર્મીઓને આયુષ્યમાન કાર્ડ દ્વારા જીવનની સુરક્ષા કરવામાં આવશે. આ સફાઈ કર્મીઓ પોતાના જીવના જોખમે સફાઈ કાર્ય કરે છે પરંતુ સેફ્ટી ટેન્ક વગેરેની સાફસફાઈમાં તકલીફો પડે છે. જેના માટે હવેથી કોઈ જાનહાનિ ન થાય તે માટે સફાઈ કર્મીઓને સંપૂર્ણ ટ્રેનિંગ અને પીપીઈ સેફ્ટી કિટ આપવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા અનેક લોકોને સરકારી યોજનાઓના લાભો મળ્યા છે જ્યારે PM-JANMAN યોજના હેઠળ આદિમજૂથોને પણ ભારતની વિકાસયાત્રામાં આવરી લીધા છે. પ્રધાનમંત્રીશ્રી કહે છે કે, આ સરકાર ગરીબો, કિસાનો, મહિલાઓ અને યુવાનોની સરકાર છે. પ્રધાનમંત્રીશ્રીએ ગેરેંટી આપી છે કે આદિમજૂથ વિસ્તારોમાં ૧૦૦% દરેક સુવિધાઓ મળશે. આ લોન યોજનાઓથી લાભાર્થીઓ પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકશે. આ દરેક લોનના મોદીજી પોતે ગેરેન્ટેડ છે તેમણે પોતે આ સહાયની ગેરેંટી આપી છે.

તેમણે સમાજના નાનામાં નાના લોકોની કાળજી લીધી છે.
આ કાર્યક્રમમાં મહિલા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ ગૌરીબેન અભોલે અને હિરલ સોલંકીએ પોતાની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ બંને લાભાર્થીઓને આ યોજના હેઠળ રૂ.૧ લાખની લોન મળવાથી અનેક લાભો થયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનના ત્રણ લાભાર્થી વિદ્યાર્થીઓને રૂ.૧૫ લાખ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના બે લાભાર્થીઓને રૂ.૪૦ હજારની સહાયના મંજૂરી હુકમોનું અને પાંચ સફાઈ કામદાર લાભાર્થીઓને સફાઈ કામદાર સેફ્ટી હેઠળ સફાઈ કામદાર કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગોના લાભાર્થીઓ સાથે વેન્ચર કેપિટલ ફંડ સ્કીમ તેમજ આંબેડકર સોશિયલ ઈનોવેશન ઈન્ક્યુબેશન મિશન હેઠળ સફળતાપૂર્વક સ્ટાર્ટઅપ શરૂ કરનાર સાથે, ક્રેડિટ સપોર્ટ સ્કીમ હેઠળના વિવિધ નિગમોના સફળ લાભાર્થીઓ સાથે અને નમસ્તે સ્કીમ હેઠળના સિવર અને સેપ્ટિક ટેંકના લાભાર્થી કામદારો સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. ઉપસ્થિત તમામે વડાપ્રધાનશ્રીનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઈ પટેલ, રમણલાલ પાટકર, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી, કલેક્ટરશ્રી આયુષ ઓક, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વાપી નગરપાલિકા પ્રમુખ કશ્મીરા શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!