ગુજરાત એલર્ટ । વલસાડ
સિકલસેલ એનિમિયા રોગ વિશે લોકોમાં જનજાગૃત્તિ કેળવાય તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ધરમપુર તાલુકાના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો હતો. આ કાર્યક્રમ થકી વિસરાતી જતા પપેટ શો ની કલાને જીવંત રાખવાનો પણ સરાહનીય પ્રયાસ કરાયો હતો.
ધરમપુર તાલુકા હેલ્થ કચેરી અને ભેંસધરાના આયુષ્યમાન મંદિરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય શાખાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે ઉપસ્થિત રહી સિકલસેલ એનિમિયા રોગ અને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં કલાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. પ્રસાર પ્રસારના પરંપરાગત માધ્યમથી ગ્રામજનોને સરળતાપૂર્વક સમજાવી શકાય છે. રમેશભાઈ રાવલ અને અમદાવાદના જિતેન્દ્ર ભટ્ટ તરફથી સંગીતમય શૈલીમાં પપેટ શો રજૂ કરવામાં આવ્યો હતો. જેને આશ્રમશાળાના બાળકો અને સ્ટાફ તેમજ વાલીઓએ માણ્યો હતો. આ પ્રસંગે ગામના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર અનિલભાઈ ગારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિસરાઈ રહેલા પપેટ શો થી બાળકો અને ગ્રામજનો અભિભૂત થયા હતા. આભારવિધિ ભેંસધરાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભાવનભાઈએ કરી હતી.