વલસાડમાં યોજાયેલી બીચ મેરેથોનમાં ૧૩૦૦થી વધુ લોકો દોડ્યા: સ્પોટી શીખ તરીકે જાણીતા મુંબઈના ૬૮ વર્ષીય પ્રજ્ઞાચક્ષુએ પણ મેરેથોનમાં દોડી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતાનો સંદેશ આપ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને તંદુરસ્તી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ સન્ડે સ્પોર્ટસ કલબ દ્વારા રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ પર ગુજરાતની એકમાત્ર યુફિઝિયો બીચ મેરેથોન ૩.૦ નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ૧૩૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈને તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડ્યા હતા.

આ બીચ મેરેથોનની જુદી જુદી કેટેગરીમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, પત્રકાર એસોસિયશનના પ્રમુખ હર્ષદ આહિર, ઉપપ્રમુખ અપૂર્વ પારેખ, ભાજપ મીડિયા કનવીનર દિવ્યેશ પાંડે, માહિતી ખાતાના જીજ્ઞેશ સોલંકીએ ફલેગ ઓફ કરાવ્યું હતું. અને પોતે પણ દોડ્યા હતા.

આ મેરેથોનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ૧૩૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈને તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડ્યા હતા.
તિથલ બીચ પર સાંઈ બાબા મંદિરની બાજુમાં સાઈ શગુન પાર્ટી પ્લોટથી વહેલી સવારે ૫-૩૦ વાગ્યાથી શરૂ થયેલા આ મેરેથોન ૩ કિમી, ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧.૧ કિમીના વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ જોમ અને જુસ્સા સાથે દોડ્યા હતા.

આયોજકો દ્વારા મેરેથોનના રૂટ પર ઠેક ઠેકાણે રનર્સ માટે એનર્જી ડ્રીંક, પાણી, ફ્રુટ અને બિસ્કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દોડ બાદ પ્રત્યેક રનર્સ માટે સુંદર મેડલ અને સ્વાસ્થ્ય વર્ધક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈક દોડવીરને શારીરિક તકલીફ થાય તો તે માટે ફિઝિયોથેરાપિસ્ટ હેલી ઠાકોરની ટીમ દ્વારા ફિઝિયોથેરાપી અને તબીબી ટીમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે જ ચેરીટી પાર્ટનર “વી કેન ફાઉન્ડેશન” દ્વારા પણ બીચ મેરેથોનને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો હતો.
આ મેરેથોનમાં મુંબઈથી ઉપસ્થિત રહેલા અને સ્પોર્ટી શીખ તરીકે દેશ- વિદેશમાં જાણીતા ૬૮ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંઘ ચાવલા કે જેઓ બંને આંખે જોઈ શકતા નથી તેઓ પણ એસ્કોર્ટ પ્રકાશભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલની મદદથી મન મુકીને ૧૦ કિમીની મેરેથોનમાં દોડયા હતા. પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંઘ અત્યાર સુધીમાં ૨૪૫ મેરેથોન દોડી ચૂક્યા છે. તેમણે વલસાડ ખાતે સૌને તંદુરસ્તી માટે સંદેશ આપ્યો કે, હું દુનિયા જોઈ શકતો નથી તેમ છતાં હું મારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છું જેથી રેગ્યુલર દોડુ છું પરંતુ જે લોકો જોઈ શકે છે તેમણે ખાસ પોતાના શરીરની તંદુરસ્તી માટે ચોક્કસ દોડવું જોઈએ.
આ મેરેથોનને સફળ બનાવવા માટે ગ્રુપના સભ્યો નરેશ નાયક, ચિંતન નાયક, કીર્તન પટેલ, જીતેન લાડ, ભગીરથ પટેલ, પારસ ભટ્ટ, સોનલ મિસ્ત્રી, સીમા દેસાઈ તથા અન્ય સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. ફોટોગ્રાફીની સેવા સચિન ટેલર અને જયેશ વશીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!