ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમને નવીન ટેક્નોલોજીની અદ્યતન બસો ફાળવવામાં આવી રહી છે તે પૈકી હાલ રાજ્યમાં ૫૦૦ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાંથી વલસાડ એસટી વિભાગના વાપી ડેપોને પાંચ નવીન બસો ફાળવવામાં આવતા શુક્રવારે રાજ્ય સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રીબીન કાપી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, વાપી એસટી ડેપોની જૂની બસો કાઢીને આગામી દિવસોમાં તબક્કાવાર તમામ નવી બસો આપવામાં આવશે. જેથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સતિષભાઈ પટેલ, માજી વી.આઇ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઇ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવોનું સ્વાગત તથા આભારવિધિ વાપી ડેપો મેનેજર જયદીપ એસ. માહલા દ્વારા કરવામાં આવી હતી.