ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે તા. ૮ માર્ચના રોજ સાંજે પાંચ કલાકે જિલ્લા સેવા સદન-૧ ની સામે રૂ. ૨૦૦ લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા માહિતી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, સાંસદ ડો. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી એ.બી.મછાર ઉપસ્થિત રહેશે.
વલસાડ જિલ્લા મથક ખાતે માહિતી ખાતાનું અલાયદુ મકાન તૈયાર થવાથી મુલાકાતીઓ પ્રદર્શન નિહાળી શકશે. પત્રકારો માટે અલાયદો રૂમ હોવાથી પત્રકારોને એક જ જગ્યાએ સમાચારોની માહિતી મળી રહેશે. માહિતી ભવનનું નિર્માણ થવાથી માહિતી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કામગીરી કરવામાં ઉત્સાહ વધતા જિલ્લામાં સરકારશ્રીની કામગીરીઓ તેમજ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધુ સારી રીતે થઈ શકશે.
ગ્રાઉન્ડ + બે માળના નવા માહિતી ભવનનું બાંધકામ આગામી ૯ માસની સમય મર્યાદમાં પૂર્ણ થશે. નવા મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની સુવિધા અને પત્રકાર રૂમનો સમાવેશ કરાયો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન ઓફિસરની ચેમ્બર, સબ એડિટરની ચેમ્બર, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, એડમિન અને એકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ અને સ્ટાફ ચેમ્બર તથા લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. સેકન્ડ ફલોર પર ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરની ચેમ્બર, ઈલેકટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ હોલ, એક્ઝિબિશન/કોન્ફરન્સ હોલ વીથ લાઈબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમનો સમાવેશ કરાયો છે.