ગુજરાત એલર્ટ । વલસાડ
પહેલા નારીને અબળા કહેવાતી પરંતુ હવે નારી અબળા નહીં પણ સબળા તરીકે ઓળખાય છે. હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. આજે તા. ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામની એક બહાદુર મહિલાની વાત કરવાની છે કે, જેમણે છેલ્લા ૧૫ વર્ષમાં નિઃસ્વાર્થભાવે અત્યાર સુધીમાં ૨૨ હજાર જેટલા ઝેરી તેમજ બિનઝેરી સાપ પકડી આ વન્ય જીવ તેમજ લોકોના પણ જીવ બચાવી મિશાલરૂપ બન્યા છે. તેમની સેવાકીય પ્રવૃત્તિની મહેક માત્ર વલસાડ જિલ્લા પૂરતી જ નહી પરંતુ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં પણ પ્રસરી છે.
સામાન્યપણે મહિલાઓ ગરોળી કે વંદાને જોઈને બૂમાબૂમ કરી મુકે છે પરંતુ પારડીના ટુકવાડા ગામના ૩૯ વર્ષીય ભાવનાબેન જયેશભાઈ પટેલ જીવ દયાથી પ્રેરાઈને વન્ય જીવ સંપત્તિને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. સાપને જોઈને ભલભલાના રૂંવાટા ઉભા થઈ જતા હોય છે પરંતુ ભાવનાબેન રાત કે દિવસ જોયા વિના, ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના ૨૪ કલાકમાં જ્યારે પણ કોઈનો કોલ આવે એટલે સાપ પકડવા માટે પહોંચી જતા હોય છે. દોરડુ પકડયું હોય એમ નિર્ભયતાથી સાપ અને અજગરને પોતાના જીવના જોખમે પકડી વન્ય જીવ સંપત્તિની રક્ષા કરી રહ્યા છે. ભાવનાબેન પટેલ જણાવે છે કે, પહેલા હું ઉંદર અને અળસિયા જોઈને પણ ગભરાતી હતી પરંતુ મારા પતિ પાસેથી મને વન્ય જીવ બચાવવાની પ્રેરણા મળતા હું સાપ પકડી રહી છું. મારૂ એવુ માનવુ છે કે, ધરતી પર દરેક જીવને જીવવાનો અધિકાર છે. ઘણી જગ્યા પર એવુ જોયુ કે, લોકો સાપથી ગભરાઈને તેના પર ગરમ પાણી અથવા ઉકળતુ તેલ નાંખી દેતા હોય છે અને તરફડી તરફડીને સાપ મરતા હોય છે. જેથી આ વન્ય જીવને બચાવવા માટે એક અભિયાનના ભાગરૂપે શરૂઆત કરી હતી. જેમાં સાપને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કરવામાં આવે છે. જ્યાંથી સાપ પકડાઈ ત્યાં રહીશોને ઝેરી અને બિન ઝેરી સાપની ઓળખ કરાવી, સાપના ખોરાક અને સાપ વિશે ફેલાયેલી ખોટી માન્યતા દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં ૧૮ હજાર થી ૨૨ હજાર જેટલાં ઝેરી તથા બિનઝેરી સાપ પોતાના ખર્ચે અને પોતાના જીવના જોખમે પકડી નિયમ મુજબ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને જાણ કરી એમની સૂચના પ્રમાણે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. હાલમાં રોજના ૩ થી ૪ કોલ સાપ અંગેના આવે છે.
ભાવનાબેનની જીવદયા પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાની મહેક સોશિયલ મીડિયા મારફતે દેશ વિદેશમાં પ્રસરતા તેઓ હવે માત્ર પારડી તાલુકો કે વલસાડ જિલ્લો નહી પરંતુ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સુધી પોતાનું નેટર્વક બનાવી તેમના આ નેક અભિયાનમાં અત્યાર સુધી ૨૦૦ જેટલા સ્વયંસેવકો જોડાયા છે. કોઈ પણ જગ્યાથી કોલ આવે એટલો સાપને બચાવવા માટે તેઓ ગમે તે ઘડીએ તત્પર રહે છે. ભાવનાબેનને લોકો હવે સર્પમિત્ર તરીકે ઓળખી રહ્યા છે. આ સિવાય બિન વારસી પશુ અકસ્માતમાં કે અન્ય કોઈ રીતે ઈજાગ્રસ્ત થયા હોય તો એમના સારવારનો ખર્ચ ઉપાડી સ્વસ્થ કરી મુક્ત કરાય છે. જો કોઈ પશુનું એક્સિડન્ટમાં મરણ થાય તો પોતાના ખર્ચે દફન પણ કરવામાં આવે છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા મહિલાના હક્ક- અધિકારની વાતો અને સન્માનના કાર્યક્રમો યોજાશે ત્યારે વન્ય જીવ સંપત્તિની રક્ષા માટે સદૈવ તત્પર રહેતા સર્પમિત્ર ભાવનાબેન પટેલ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
પોતાના દીકરા –દીકરીને પણ સર્પ બચાવો અભિયાનમાં સામેલ કર્યા
વન્ય જીવ સંપત્તિની જાળવણી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ભાવનાબેન અને તેમના પતિ જયેશભાઈએ મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરતા પુત્ર સમર્થ પટેલ અને ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ખ્યાતિ પટેલને પણ સાપ પકડવાની ટેકનિક શીખવી તેઓને પણ પોતાના આ અભિયાનમાં સામેલ કરી દીધા છે. હવે તેમના સંતાનો પણ સાપ પકડી આ વન્ય જીવને તેમજ લોકોને સુરક્ષિત કરી પર્યાવરણની રક્ષા કરી રહ્યા છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા સન્માન પણ કરાયું
ભાવનાબેન પટેલે વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા યોજાયેલી સ્નેક રેસ્ક્યુ તાલીમ પણ લીધી હતી. વન વિભાગ દ્વારા તેમની મૂલ્યવાન સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સન્માન પણ કરાયું હતું. આ સિવાય મહિલા અને બાળ વિભાગ દ્વારા પણ સન્માન કરાયું હતું. વલસાડ ઉત્તર વન વિભાગ, દક્ષિણ વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભાવનાબેન પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.