ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૭ માર્ચના રોજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના ૬ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામો માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ. ૭૫૦ લાખ અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ માટે રૂ. ૨૫ લાખ જ્યારે જિલ્લાની પાંચ નગરપાલિકા માટે રૂ. ૧૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. ચૂંટણી આચારસંહિતાને ગણતરીના દિવસો બાકી હોવાથી મંત્રીશ્રીએ તમામ અધિકારીઓને બાકી કામો સત્વરે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.
૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા માટે અનુક્રમે રૂ. ૧૪૭.૫૦ લાખ અને ૨૫૦ લાખ, કપરાડા માટે રૂ. ૧૪૭.૫૦ લાખ અને રૂ. ૨.૫૦ લાખ, પારડી તાલુકા માટે રૂ. ૧૧૭.૫૦ લાખ અને ૭.૫૦ લાખ, ઉમરગામ માટે રૂ. ૧૨૨.૫૦ લાખ અને ૨.૫૦ લાખ, વાપી તાલુકા માટે રૂ. ૯૭.૫૦ લાખ અને ૨.૫૦ લાખ તેમજ વલસાડ તાલુકા માટે રૂ. ૧૧૭.૫૦ લાખ અને ૭.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડામર રસ્તા, પેવર બ્લોક રસ્તા, સીસી રસ્તા, પ્રાથમિક શિક્ષણ, પાણી પુરવઠા, ગ્રામ્ય વીજળીકરણ, ભૂમિ સરંક્ષણ, મજૂર અને મજૂર કલ્યા, ગંદા-વસવાટોની વાતાવરણલક્ષી સુધારણા અને સામાન્ય શિક્ષણના કામોનો સમાવેશ કરાયો છે. જ્યારે જિલ્લાની પાંચ પાલિકા વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર વિસ્તારમાં વિકાસના કામો માટે નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ ૧૪ કામો માટે કુલ રૂ. ૧૨૫ લાખની જોગવાઈ કરાઈ છે. બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫નું આયોજન મંજૂર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા ૨૮ કામો માટે રૂ.૧૫૦ લાખ, વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર દ્વારા ૨૮ કામો માટે રૂ. ૧૫૦ લાખ અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ૧૪ કામો માટે કુલ રૂ. ૭૫ લાખના કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંગે જરૂરી ચર્ચા કરી મંજૂર કરવામાં આવી હતી. ખાસ પ્લાન (બક્ષી પંચ) યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા રૂ.૫ લાખના કામોની દરખાસ્ત મંજૂર કરાઈ હતી.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મંજૂર કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લા આયોજન અધિકારી દ્વારા દરેક તાલુકામાં કામગીરીનું રિવ્યુ કરવામાં આવે એ જરૂરી છે. જેથી કામોની ઝડપ વધશે અને કોઈ પ્રશ્ન હોય તો તેનો પણ ત્વરિત ઉકેલ આવશે. જે સંદર્ભે કલેકટરશ્રીએ દરેક તાલુકામાં રિવ્યુ મીટિંગ કરવા સૂચન કર્યુ હતું. મંત્રીશ્રીએ પ્રજાલક્ષી વિકાસના કામોની ગુણવત્તાનું રેન્ડમલી ચેકિંગ કરવા જિલ્લા આયોજન અધિકારીને જણાવતા કલેકટરશ્રીએ પણ લેબોરેટરી ટેસ્ટીંગ સાથે ચકાસણી કરવા સૂચન કર્યુ હતું.
વધુમાં મંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાન બાબતે પર વિશેષ ભાર મુકી ગ્રામ્ય કક્ષાથી લઈને પાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા હિમાયત કરી હતી. આ માટે કલેકટરશ્રીએ ગ્રામ્ય અને પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે સતત પ્રયાસ, જન જાગૃત્તિ અને દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મિનાક્ષીબેન ગાંગોડા, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ પટેલ અને વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા આયોજન અધિકારી મનિષ ગામિત, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સરંક્ષક જિનલ ભટ્ટ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.