ગુજરાત એલર્ટ । વલસાડ
તા.૮-માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ-અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓને સમર્પિત આ દિવસે વિવિધ જગ્યાઓ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓ પણ સક્રિયપણે ભાગ લે છે. આ વર્ષ ૨૦૨૪ માટે ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Invest in women: Accelerate progress” સયુંકત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે નિમિત્તે તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી ધરમપુરના બામટીમાં વનરાજ આર્ટસ અને કોમર્સ કોલેજની પાછળ લાલ ડુંગરી મેદાન ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગી વિકાસના પ્રયત્નોના પ્રચાર પ્રસાર હેતુ જિલ્લાની તેજસ્વીની દિકરીઓનું સન્માન/મહિલા સરપંચ/વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન, વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના મંજુરી હુકમ તેમજ દીકરી વધામણા કીટ વિતરણ સહિતની વિવિધ પ્રવૃતિઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે.