ગુજરાત એલર્ટ | ધરમપુર
ધરમપુર તાલુકામાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ વિલ્સન હિલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડના સહયોગથી યોજાયેલી ગુજરાતની પ્રથમ મોન્સૂન હિલ હાફ મેરેથોનમાં 700 જેટલાં દોડવીરોએ ભાગ લીધો હતો.
આ મેરેથોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન થી આવેલાં 700 જેટલાં દોડવીરોએ અનુક્રમે 5 કિમી, 10 કિમી, અને 21 કિમીની દોડમાં ભાગ લીધો હતો. આ મેરેથોનનું આયોજન આંખના દર્દીઓના લાભાર્થે કરવામાં આવ્યું હતું. જેમાં 21 કિમી તથા 10 કિમીના ઓવરઓલ પોડિયમ ફિનિશરને પુરુષ અને મહિલા વિભાગમાં એમ કુલ રૂ. 1,10,000 ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડના પ્રમુખ હર્ષદ આહિર, દાતા હેમલ પટેલ તથા લાયન્સના હસ્તે આ મેરેથોનનો ફ્લેગઓફ કરવામાં આવ્યો હતો.
લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. દિપક પખાલે, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવૅર્નર લા. પરેશ પટેલ તેમજ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવૅર્નર લા. મોના દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટની સમગ્ર ટીમ તથા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડની સમગ્ર ટીમે મેરેથોનને સફળ તથા સાર્થક બનાવવા ખુબ મહેનત કરી હતી. આ મેરેથોનનું વલસાડના રોયલ ક્રૂઈઝર ગૃપે બાઈક પર પાયલોટીગ કર્યું હતું. પ્રેસિડેન્ટ લા. અજયસિંહ દોડીઆ, સેક્રેટરી લા. પારસ ભટ્ટ, ટ્રેઝરેર લા. હિમાંશુ મિસ્ત્રી. તથા લા. પ્રિયાંક પટેલ અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડની ટીમમાંથી નરેશ નાયક, ત્રિદીપ પટેલ, ચિંતન પટેલ, કીર્તન પટેલ, વિમલ દેસાઈ,ભગીરથ પટેલ અને સમગ્ર ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
મેરેથોનમાં બ્લાઈન્ડ રનર, વિદેશી રનર્સ અને માઉન્ટ એવરેસ્ટર યુવતી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
આ મેરેથોનમાં મુંબઈથી સ્પેશિયલ હિલ મેરેથોન માટે આવેલા પ્રજ્ઞાચક્ષુ અમરજીત ચાવલાની મુલાકાત કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમણે આંખે અંધ હોવા છતાં 21 કિમીની મેરેથોન પૂર્ણ કરી હતી. આ ઉપરાંત આફ્રિકન દેશ એથોપિયાથી ખાસ હિલ મેરેથોન માટે આવેલાં બે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
આ ઉપરાંત તા. 17.05.2023 નાં રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા 29 વર્ષીય નિશાકુમારી પણ મેરેથોનમાં ભાગ લેવા વડોદરાથી આવ્યાં હતાં. તેમની સાથે લોકોએ સેલ્ફી લેવાની તક છોડી ન હતી.