ગુજરાત એલર્ટ । વલસાડ
છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ વચ્ચે ગુજરાત રાજ્યની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની આજરોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વાપી અને નવસારીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં આનંદ છવાયો છે.
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજરોજ બજેટ રજૂ કર્યું છે. વચગાળાના યુનિયન બજેટ બાદ આજે ગુજરાત સરકારના વર્ષ 2024-25 માટેના બજેટની જાહેરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી છે. પાછલા નાણાંકીય વર્ષના બજેટની સરખામણીમાં આ વખતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના બજેટમાં 31,000 કરોડનો વધારો સૂચવ્યો છે. ગત વર્ષે બજેટનુ કદ 3.01 લાખ કરોડ જેટલું હતું, તેની સામે આ વખતે 3 લાખ 32 હજાર 465 કરોડ બજેટ જાહેર કરાયું છે. આ બજેટમાં નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકા બનશે. જેમાં નવસારી, વાપી, ગાંધીધામ, મોરબી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વાપીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ઘણા સમયથી ચાલતી હતી. જેમાં આજરોજ વિધિવત જાહેરાત થતાં અટકળો નો અંત આવ્યો છે. આગામી સમયમાં મહાનગરપાલિકા બનાવવાનું કામ ખૂબ ઝડપથી ચાલશે. વાપી અને નવસારીમાં મહાનગરપાલિકા બનવાને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસ થશે. તેમજ ધીમે ધીમે આસપાસના ગામડાઓને પણ મહાનગરપાલિકામાં સમાવી લેવાય તેવી શક્યતાઓ છે.