ગુજરાત એલર્ટ | વલસાડ
નોટરી એસોસિયેશન ગુજરાતની મિટિંગ આજરોજ ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ, પારડી મુકામે યોજાઈ હતી. જેમાં નવા વરાયેલા પ્રમુખશ્રી પી. ડી. પટેલે નોટરી એક્ટમાં સુધારા અંગે સૂચનો તેમજ નોટરીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરતા ઉપસ્થિત નાણાં મંત્રી તથા સાંસદએ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું.
આ મિટિંગમાં વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી. ડી. પટેલ સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિષ્ઠિત નોટરી એસોસિયેશન ગુજરાતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને સમગ્ર ગુજરાતની સાથે સાથે સાઉથ ગુજરાત અને વલસાડ જિલ્લા નું ગૌરવ વધાર્યું હતું. તે બદલ સૌએ અભિનંદન આપ્યા હતા. સભામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 600 જેટલા નોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ તથા નોટરી એસોસિયેશન ગુજરાતના પૂર્વપ્રમુખશ્રી ધીરેશભાઈ શાહ તથા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બાર કાઉન્સિલના ચેરમેનશ્રી જે. જે. પટેલએ પ્રાસંગિક પ્રવચન કરી નોટરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નોટરી એસોસિયેશન ગુજરાતના નવા વરાયેલા પ્રમુખશ્રી પી. ડી. પટેલે પૂર્વ પ્રમુખશ્રી ધીરેશભાઈ શાહની કામગીરીને બિરદાવી નોટરી મિત્રોને પડતી મુશ્કેલી તેમજ નવા નિમણુંક પામેલ નોટરી મિત્રોને સત્વરે લાયસન્સ પ્રાપ્ત થાય એ માટે યોગ્ય ઉકેલ લાવવાની નેમ સાથે નોટરી એસોસિયેશનના સાથી સભ્યોને સાથે રાખીને વધુમાં વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી સમગ્ર ગુજરાતના નોટરી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રમુખશ્રી પી. ડી. પટેલે સમગ્ર ગુજરાતના તમામ તાલુકા તથા જિલ્લાઓમાંથી ઉપસ્થિત અંદાજે 600 જેટલા નોટરી મિત્રોને દૂર દૂરથી આ કાર્યક્રમમાં હાજરી આપી આ મિટિંગને અતિ ભવ્ય સફળ બનાવવા બદલ દિલથી આભાર વ્યક્ત કરી સૌને સાથે લઈને નોટરીના હિતમાં કાર્યો કરવાની ખાતરી આપી હતી.
શ્રી પી. ડી પટેલે આ મિટિંગને સફળ બનાવવા માટે વલસાડના નોટરી મિત્રોએ જે જહેમત ઉઠાવી હતી તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.