ગુજરાત એલર્ટ । વલસાડ
શ્રી નાની છીપવાડ યુવક મંડળ તથા શ્રી વાવડી ગણેશ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ (A.R.D.F.) અતુલના સહયોગથી ધુળેટીના પર્વ દરમ્યાન આયોજીત 27માં રક્તદાન શિબિરમાં ફક્ત 4 કલાકમાં 58 રક્તદાતાઓએ રક્તદાન કરી ધુળેટીની અનોખી ઉજવણી કરી હતી. આ રક્તદાન શિબિરમા ત્રણ મહિલા રક્તદાતાઓએ રક્તદાન કરી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. તેમજ રોનીત ભાવસારે પોતાના 18 વર્ષ પુર્ણ થતા પોતાનુ પ્રથમ રક્તદાન કરી ગર્વની લાગણી અનુભવી હતી.
આ રક્તદાન શિબિરમા તિથલ સ્થિત અનુભવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્રના સંચાલક સંદિપભાઇ રાઠોડ દ્વારા બે લાભાર્થીઓ પાસે રક્તદાન કરાવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડયા હતાં. આ શિબિરમા છીપવાડ સ્થિત દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીરભાઇ મપારા તથા ઉપપ્રમુખ શિવલાલ મેવાડાએ ખાસ ઉપસ્થિત રહી આયોજકોની નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતાં. દરેક રક્તદાતાઓને A.R.D.F. અતુલ તરફથી આકર્ષક સ્મૃતિભેટ આપવામા આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે આ રક્તદાન શિબિરમા વલસાડ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓની કામગીરી શિસ્તબદ્ધ તથા સરાહનીય રહી હતી. આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.