ગુજરાતના ૩૫ ટકા નાના વેપારીઓ શાકભાજીઃ કરિયાણું વેચતા થઇ ગયા

કોરોના સંક્રમણના કારણે આર્થિક સ્થિતિ કથળતાં અને મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદશકિત બદલાતાં વેપારમાં પરિવર્તન

નવી દિલ્હી: વૈશ્વિક મહામારીના કારણે ગુજરાતમાં માત્ર લોકોએ નોકરીઓ ગુમાવી નથી પરંતુ નાના વેપારીઓ અને ઉત્પાદકોએ તેમના બિઝનેસ બદલ્યા છે. રિટેઇલમાં બિઝનેસ કરતાં વેપારીઓએ અનેક કારણોસર ગ્રોસરી અને વેજીટેબલ માર્કેટમાં ઝંપલાવ્યું છે.
લોકોની ખરીદશકિત બદલાઇ હોવાથી માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓ પર વેપારીઓ અને ઉત્પાદકોનું ધ્યાન દોરાયું છે. શહેરોમાં ૩૫ ટકા નાના વેપારીઓએ તેમના ધંધા બદલ્યા છે. જેમની પાસે ઇનોવેટીવ આઇડિયા છે તેઓ ઓનલાઇન બિઝનેસ તરફ દોરાયા છે.
આ બિઝનેસમાં તેઓ ઇ-કોમર્સની એપ્લિકેશન, વોટ્સઅપ અને અન્ય સોશ્યલ મિડીયા જેવા માધ્યમથી ડિલીવરી કરી રહ્યાં છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં મોટી મંદી છે. કાપડના નાના વેપારીઓએ પણ બિઝનેસ બદલ્યાં છે અને તેઓ ગ્રોસરી માર્કેટ તરફ વળ્યાં છે. કેટલાક વેપારીઓએ તો શાકભાજીનો બિઝનેસ શરૂ કર્યો છે. મોટા શહેરોમાં બિલ્ડરો પણ ગ્રોસરી બિઝનેસ કરતા થઇ ગયા છે.
ઉદ્યોગો અંગે સર્વેક્ષણ કરતી એક સંસ્થાના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે પાંચ લાખ એમએસએમઇ યુનિટમાંથી ૭૫૦૦૦ જેટલા યુનિટોના સંચાલકોએ તેમનો બિઝનેસ રિસફલ કર્યો છે અથવા તો કરી રહ્યાં છે. આ યુનિટો પૈકી ૨૫૦૦થી વધુ સંચાલકોએ પોતાના મુખ્ય બિઝનેસને અન્ય વેપારમાં ડાયવર્ટ કર્યો છે.
વેપાર બદલવાના કારણોમાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી ખરાબ આર્થિક સ્થિતિ, ઇંધણના ભાવવધારાથી વધેલી મોંદ્યવારી, ગ્રાહકોની બદલાયેલી ખરીદશકિત, અનુભવી કર્મચારીઓ અને મજૂરોની અછત, નાણાંકીય ભીડ, બેન્કોની જોહુકમી અને ગ્રાહકોનો અભાવ જવાબદાર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!