ગુજરાત એલર્ટ । વલસાડ
ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે યુવા મતદારો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે, વલસાડ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતા કપરાડા તાલુકામાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે. જેમાં ૧૮-૧૯ વર્ષના ૭૮૮૮ યુવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે.
લોકશાહીના મહાપર્વમાં ગામડા- શહેરો, નગરો અને સરકારી કચેરીઓ તેમજ ખાનગી દુકાનો, મોલ, હોટલો, કંપનીઓ તમામ સ્થળે મતદાન જાગૃતિની પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. તા. ૭ મે ના રોજ મતદાનના દિવસે આ મહાપર્વને વધાવવા માટે સૌ મતદારો આતુર બન્યા છે ત્યારે વાત કરીએ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર યુવા મતદારોની તો, ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લામાં સૌથી વધુ યુવા ગામ ઉમરગામ તાલુકાનું સોળસુંબા ગામ છે જ્યાં વય જૂથ પ્રમાણે જોઈએ તો, ૧૮-૧૯ વર્ષના ૨૯૬ મતદારો, ૨૦ થી ૨૯ વર્ષના ૩૨૨૫ અને ૩૦ થી ૩૯ વર્ષના ૪૨૦૩ મતદારો મળી કુલ ૭૭૨૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આવું જ બીજુ ગામ પારડી બેઠકનું સૌથી યુવા ગામ ઉમરસાડી છે. ઉમરસાડી ગામમાં સૌથી વધુ ૩૩૭ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. આ ગામમાં કુલ ૬૧૬૯ મતદારો ૩૯ વર્ષથી નીચેની વયના છે. ધરમપુર વિધાનસભા બેઠક પર અટગામમાં ૧૮-૧૯ વર્ષના સૌથી વધુ ૨૧૯ યુવા મતદારો નોંધાયા છે. જ્યારે ૧૮ થી ૩૯ વય જુથના સૌથી વધુ મતદારો આ બેઠક પર બિલપુડી ગામમાં ૩૦૯૧ નોંધાયા છે. કપરાડા વિધાનસભા બેઠક પર મોટાપોંઢામાં ૧૮-૧૯ વર્ષના સૌથી વધુ ૨૨૧ મતદારો પ્રથમ વખત મતદાર કરશે, જ્યારે જિલ્લાના સૌથી યુવા તાલુકા ગણાતા કપરાડાના મોટાપોંઢામાં ૧૮ થી ૩૯ વર્ષના કુલ ૩૩૪૦ યુવા મતદારો નોંધાયા છે. જ્યારે વલસાડ તાલુકામાં સૌથી યુવા ગામ કોસંબા છે જ્યાં ૧૮ થી ૩૯ વય જુથના કુલ ૪૬૩૪ મતદારો છે જ્યારે પ્રથમ વખત મતદાન કરનાર ૧૮-૧૯ વયજૂથના સૌથી વધુ ૨૭૩ મતદારો કકવાડી દાંતી ગામમાં નોંધાયા છે.
આ સિવાય અર્બન વિસ્તારમાં સૌથી વધુ યુવા મતદારોની વાત કરીએ તો, ધરમપુર નગરના કુલ ૧૮ ભાગમાં ૧૮-૧૯ વયજૂથના ૪૫૫, ૨૦-૨૯ વયજૂથના ૩૯૩૩ અને ૩૦ થી ૩૯ વયજૂથના ૪૪૭૫ મતદારો મળી ૧૮થી ૩૯ વયજૂથના કુલ ૮૮૬૩ મતદારો નોંધાયા છે. ઉમરગામ ટાઉનના કુલ ૨૨ ભાગમાં ૧૮-૧૯ વયજૂથના ૪૭૭, ૨૦-૨૯ વયજૂથના ૪૭૪૭ અને ૩૦ થી ૩૯ વયજૂથના ૬૪૩૭ મતદારો મળી ૧૮-૩૯ વયજૂથમાં કુલ ૧૧૬૬૧ મતદારો નોંધાયા છે. પારડી ટાઉનના કુલ ૨૦ ભાગમાં ૧૮-૧૯ વયજૂથના ૪૭૩, ૨૦-૨૯ વયજૂથના ૪૦૫૭ અને ૩૦-૩૯ વયજૂથના ૫૬૧૯ મતદારો મળી કુલ ૧૦૧૪૯ યુવા મતદારોનો સમાવેશ થાય છે. જયારે વાપીના કુલ ૭૦ ભાગમાં ૧૮-૧૯ વર્ષના પ્રથમ વખતના ૧૪૪૦, ૨૦-૨૯ વર્ષના ૧૩૯૭૮ અને ૩૦ થી ૩૯ વયજૂથના ૧૮૮૭૯ મળી ૩૯ વર્ષ સુધીના કુલ ૩૪૨૯૭ મતદારો નોંધાયા છે. વલસાડ બેઠક પર સૌથી વધુ વલસાડ શહેરના કુલ ૫૬ ભાગમાં ૧૮-૧૯ વર્ષના ૯૭૫, ૨૦-૨૯ વયના ૮૪૦૬ અને ૩૦-૩૯ વયજૂથના ૧૨૪૪૧ મળી કુલ ૨૧૮૨૨ મતદારો નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કુલ ૬,૦૬,૬૬૧ મતદારો યુવાન છે જેની ઉંમર ૩૯ વર્ષથી નીચે છે. જિલ્લામાં કુલ ૧૩,૬૧,૦૪૮ મતદારો પૈકી ૩૩૪૯૨ મતદારો ૧૮થી ૧૯ વયના છે અને તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. આ પ્રમાણ જોઇએ તો, કુલ મતદારોની સાપેક્ષે ૨.૪૬ ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જિલ્લામાં કુલ ૧૩,૬૧,૦૪૮ મતદારો છે જે પૈકી ૬,૦૬,૬૬૧ મતદારો ૧૮ થી ૩૯ વયજૂથના છે. જે મુજબ જિલ્લામાં ૪૪.૫૭ ટકા ભાગીદારી યુવા મતદારોની જોવા મળે છે.
વલસાડ જિલ્લામાં કોઈ એક ભાગ બાકી નથી કે, જયાં ૧૮-૧૯ વયનો એક ઉમેદવાર નોંધાયો ન હોય
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં મતદાર નોંધણીને વેગવાન બનાવાતા બૂથ લેવલ ઓફિસર સુધી સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પગલે વલસાડ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં મતદારોનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ૧૮થી ૧૯ વર્ષનો મતદાર ના હોય! તમામ પાર્ટમાં લઘુત્તમ ૫ જેટલા તો પ્રથમ વખતના મતદારો નોંધાયા છે. ૧૮થી ૧૯ વયના મતદારોની સમીક્ષા કરીએ તો વલસાડમાં ૫૭૮૩, પારડીમાં ૫૯૨૪, ઉમરગામમાં ૬૧૬૭, કપરાડામાં ૭૮૮૮ અને ધરમપુરમાં ૭૭૩૦ ઉક્ત વય જૂથના મતદારો નોંધાયા છે.
૧૮ થી ૧૦૯ વર્ષ સુધીની વય જૂથમાં સૌથી વધુ યુવા મતદારો ૩૦-૩૯ વયજૂથના
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર અલગ અલગ વય જૂથના મતદારોનું વિશ્લેષણ ટકાવારીમાં જોઈએ તો ૧૮-૧૯ વયજૂથના ૨.૪૬ ટકા મતદારો, ૨૦-૨૯ વયજૂથના ૨૦.૦૨ ટકા, ૩૦-૩૯ વયજૂથના ૨૨.૦૯ ટકા, ૪૦-૪૯ વયના ૨૧.૨૫ ટકા, ૫૦-૫૯ વયના ૧૬.૫૪ ટકા, ૬૦-૬૯ વયના ૧૦.૪૧ ટકા, ૭૦-૭૯ વયના ૫.૧૪ ટકા, ૮૦-૮૯ વયના ૧.૭૮ ટકા, ૯૦-૯૯ વયના ૦.૨૯ ટકા અને ૧૦૦-૧૦૯ વયજૂથના ૦.૦૨ ટકા મતદારો નોંધાયા છે. જેમાં પણ જોઈએ તો, સૌથી વધુ મતદારો યુવા વયમાં ૩૦-૩૯ જૂથમાં ૨૨.૦૯ ટકા જોવા મળે છે. જેથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરશે તો લોકશાહીને ધબકતી રાખવામાં યુવા વર્ગ પોતાનું સૌથી મોટુ યોગદાન આપશે એવુ જણાઈ રહ્યું છે. આમ, પણ ભારતની ઓળખ સમગ્ર વિશ્વમાં યુવાન દેશ તરીકે થાય છે ત્યારે મતદાનના દિવસે યુવાનો આળસ ખંખેરી વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના યુવા મતદારો