ગુજરાત એલર્ટ | વલસાડ
જયપુરથી મુંબઇ જઈ રહેલી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના બે જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે એક આરપીએફના જવાને વાપીથી બોરીવલી વચ્ચે ચાલુ ટ્રેનમાં અંધાધુધ ફાયરિંગ કરતાં અન્ય આરપીએફના જવાન સહિત 4 જણાના મોત નીપજ્યા હતા. ફાયરિંગ કરનાર આરપીએફના જવાનની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાનથી મુંબઈ જઇ રહેલી ટ્રેનમાં આજે સોમવારે વહેલી સવારે 5:20 વાગ્યાના અરસામાં ચાલુ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનાના પગલે એક આરપીએફ જવાન અને 3 મુસાફરોના મોત નીપજ્યા છે.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વાપીથી ટ્રેન ઉપડ્યા બાદ બી- 5 કોચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFના જવાન ચેતને સોમવારે મહારાષ્ટ્રમાં પાલઘર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનમાં ગોળીબાર કર્યો હતો જેમાં એએસઆઇ ટીકારામ મીનાનું મોત નિપજ્યું હતું. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને પોતાની સર્વિસ આર્મ્સથી ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. ગોળીબાર કર્યા બાદ તે ટ્રેનમાંથી બહાર કૂદી ગયો હતો. પરંતુ મીરા રોડ બોરીવલીની વચ્ચે ભાયંદર પાસે જીઆરપીના જવાનોએ કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી હતી.
હાલમાં એ જાણવા નથી મળ્યું કે, આરોપીએ કેમ આવું કર્યું અને ગોળીઓ ચલાવી. પરંતુ એવું કહેવાય છે કે કોઈ મુદ્દે આરપીએફના બે જવાનો વચ્ચે ઝગડો થયા બાદ એક જવાને ફાયરિંગ કરી દીધું હતું.
ASI ટીકારામ મીનાની બીજી જિંદગી હતી
એએસઆઈ ટીકારામ મીના અગાઉ સુરત ખાતે ટ્રેનમાં પાયલોટિંગ કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમિયાન ટ્રેન લૂંટી ભાગી રહેલાં લૂંટારુઓને તેમણે અન્ય સાથી જવાન સાથે પકડી લેતાં લૂંટારુઓએ તેમના પર હુમલો બોલી દીધો હતો. જેમાં સાથી જવાનનું મોત નીપજ્યું હતું જયારે ટીકારામના પેટમાં છરો ઘુસાડી દેતાં તેમની હાલત ગંભીર બની ગઈ હતી. જેમાં લાંબા સમય સારવાર મેળવ્યા બાદ તેઓ માંડ સારા થયા હતા. અને તે સમયે જ તેમને બીજી જિંદગી મળી હોવાનું કહેવાયું હતું. દરમિયાન આજરોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં આખરે તેમનું મૃત્યુ થયું છે.