ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ભાગડાવડા ગામે ગ્રીનપાર્ક – ૨ માં રહેતો અને બેકરીમાં કામ કરતો ૨૯ વર્ષીય નૂરઆલમ રિયાજુદ્દીન અંસારી તા. ૩ જૂન ૨૦૨૪ના રોજ સવારે ૯-૩૦ કલાકે ટેમ્પો નં. જીજે-૧૫-એટી-૮૭૨૮ લઈને ધોબીતળાવમાં આવેલી બેકરીમાંથી માલ સામાન લઈને ચીખલી અને બિલીમોરા ખાતે આપવા નીકળ્યો હતો. પત્નીના મોબાઈલ પર ફોન કરી કહ્યું હતું કે, બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરે પરત આવી જશે પરંતુ રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં પણ પરત ન ફર્યો ન હતો. તેમના મોબાઈલ પર ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો. નૂરઆલમ અગાઉ પણ પોતાના ભાઈઓ સાથે ઝગડો કરી અવર નવર કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જવાની ટેવ ધરાવે છે. પરિવારજનોએ તમામ સગા સંબંધી, ચીખલી, બિલીમોરા અને વલસાડના વેપારીઓ તેમજ બજાર વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી તેમની પત્ની સહેજાદરિયાજુદ્દીન અંસારી (ઉ.વ.૨૯)એ વલસાડ સિટી પોલીસ મથકે પોતાનો પતિ નૂરઆલમ ગુમ થયો હોવા અંગેની જાણ કરી હતી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધો, ઘઉં વર્ણ અને પાંચ ફૂટ ચાર ઈંચ ઉંચાઈ ધરાવે છે. ઘરેથી નીકળતી વેળા બ્લેક કલરનું શર્ટ અને બ્લ્યુ કલરનું જિન્સ પેન્ટ પહેર્યુ હતું. જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ તેમની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકના ફોન નં. ૦૨૬૩૨-૨૪૪૨૩૩ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.