ગુજરાત એલર્ટ । વલસાડ
હિટવેવની અસર વચ્ચે પણ ૨૬- વલસાડ બેઠક પર મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૪૫.૩૪ ટકા મતદાન વલસાડ બેઠક પર નોંધાયું હતું. ત્યારબાદ બપોરે ૩ વાગ્યા સુધીમાં પણ વલસાડ બેઠક ૫૮.૦૫ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહી હતી. જે મતદારોના લોકશાહી પર્વની ઉજવણીમાં જોમ અને જુસ્સા સાથે લોકતંત્ર પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસના પણ દર્શન કરાવે છે.
લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વલસાડવાસીઓ ખરા અર્થમાં ભર બપોરે વટ સાથે વોટ કરી રહ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં ત્રીજા રાઉન્ડમાં કુલ ૪૫.૩૪ ટકા મતદાન થયું હતું. જે સમગ્ર ગુજરાતમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં સૌથી વધુ ટકાવારી હતી. ત્યારબાદ બપોરે ૩ વાગ્યા સુધીમાં ચોથા રાઉન્ડમાં પણ વલસાડ બેઠક ૫૮.૦૫ ટકા મતદાન સાથે ટોચ પર રહી હતી.
વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ૩ વાગ્યા સુધીમાં ૬૯૯૩૨૭ પુરુષ મતદારોમાંથી ૩૯૯૫૧૮ એ મતદાન કરતા ૫૭.૧૩ ટકાવારી નોંધાઈ હતી. જિલ્લામાં ૬૬૨૧૨૯ મહિલા મતદારોમાંથી ૩૭૦૬૮૪ એ મતદાન કરતા જિલ્લામાં મહિલાઓની કુલ ટકાવારી ૫૫.૯૮ ટકા નોંધાઈ હતી. જ્યારે અન્ય કેટેગરીમાં જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭ મતદારમાંથી ૭ એ મતદાન કરતા ૪૧.૧૧૮ ટકા મતદાન થયું હતું. આમ, ત્રણેય કેટેગરી જોતા વલસાડ જિલ્લામાં કુલ મતદાન ૫૬.૫૭ ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે ડાંગ અને વાંસદા બેઠકની વાત કરીએ તો આ બંને બેઠક પર નોંધાયેલા ૨૪૬૨૦૩ પુરુષ મતદારોમાંથી ૧૫૬૫૫૨ એ મતદાન કરતા ૬૩.૫૯ ટકાવારી નોંધાઈ હતી. જ્યારે ૨૫૨૨૯૬ મહિલા મતદારોમાંથી ૧૫૨૮૯૨ એ મતદાન કરતા ૬૦.૬૦ ટકા મતદાન થયું હતું. જ્યારે અન્ય કેટેગરીમાં નોંધાયેલા ૨ મતદારોએ બપોરે ૩ વાગ્યા સુધીમાં મતદાન કર્યું ન હતું. આમ, આ બંને બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં ૬૨.૦૭ ટકા મતદાન થયું હતું. જ્યારે સાતેય બેઠક સાથે ૨૬- વલસાડ બેઠકની વાત કરીએ તો કુલ ૧૮૫૯૯૭૪ મતદારોમાંથી ૧૦૭૯૬૫૩ એ બપોરે ૩ વાગ્યા સુધીમાં મતદાન કરતા કુલ ટકાવારી ૫૮.૦૫ નોંધાઇ હતી.
બપોરે ૩ વાગ્યા સુધીમાં ૨૬ – વલસાડની સાત બેઠક પર સૌથી વધુ મતદાન ડાંગમાં ૬૭.૩૩ ટકા અને વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર ૬૩.૨ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ઉમરગામ બેઠક પર ૫૨.૪૫ ટકા નોંધાયું હતું. આ સિવાય વાંસદામાં ૫૮.૬૪ ટકા, ધરમપુરમાં ૫૯.૩૪ ટકા, વલસાડમાં ૫૫.૧૩ ટકા અને પારડીમાં ૫૩.૧૬ ટકા મતદાન થયું હતું.
સમગ્ર રાજ્યમાં વલસાડ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૫૮.૦૫ ટકા મતદાન નોંધાતા મતદારોનો ઉત્સાહ બેવડાયો હતો. જિલ્લામાં હિટવેવની અસરને પગલે આરોગ્ય ખાતા દ્વારા તમામ બુથ પર ઓઆરએસ, પાણી અને જરૂરી સુવિધા હોવાથી મતદારોને રાહત થઈ હતી. ભર તડકામાં લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં હોંશેહોશે મતદાન કરવા માટે આવી રહ્યા છે.