ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૬- વલસાડ (અ.જ.જા.) બેઠક પર કુલ ૭ વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા. ૪ જૂન ૨૦૨૪ના સવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે. જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આર.ઓ. લેવલે કોમ્પ્યુટરાઈઝ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી, ફાઈલીંગની કામગીરી, એનકોર/ ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, રાઉન્ડવાઈઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર કરવાની કામગીરી, મતગણતરીની વીડિયો ગ્રાફી, સીસીટીવી કંટ્રોલરૂમની કામગીરી, નૂતન કેળવણી મંડળના સંસ્કાર કેન્દ્ર ખાતે કાઉન્ટીંગ લાઈવ પ્રસારણની દેખરેખની કામગીરી, મતગણતરી પુરી થયા બાદ ઈ.વી.એમ./વીવીપેટ મશીનો જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરૂમમાં મુકવાની કામગીરી, વીજપુરવઠો જળવાઈ રહે તે માટેની કામગીરી, આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ અને સાધનો સાથેની મેડિકલ કીટ ઉપલબ્ધ કરવાની કામગીરી, મીડિયા સેલની કામગીરી, માઈક્રો ઓર્બ્ઝવર/ મતગણતરી સુપરવાઈઝર અને પોસ્ટલ બેલેટની ગણતરી અંગેની તાલીમ, મતગણતરી સ્ટાફ, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા, બિલ્ડિંગમાં તેમજ પાર્કિંગમાં પીવાના પાણી અને ટોઈલેટની સુવિધા તેમજ સ્વચ્છતા અંગે સૂચનો કર્યા હતા. મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ઓર્બ્ઝવરશ્રીઓની ગાડી જ પ્રવેશી શકશે આ સિવાય ઉમેદવારો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વાહનો નક્કી કરેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ પર જ પાર્ક કરવાના રહેશે. જેમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવાશે નહી એવી કડક સૂચના પોલીસ અધિક્ષકશ્રીએ આપી હતી.
મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીના દિવસે સવારે ૫ કલાકે મતગણતરી સ્થળ સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાજર થવાનું રહેશે. ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી કોઈપણ અધિકારી કે કર્મચારી મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુ સાથે લાવી શકશે નહી. જે બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ ભાર મુક્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પાર્કિંગ બાબતે પણ જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાં અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહ સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.