ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૨૬- વલસાડ સંસદીય બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં તા. ૭ મેને મંગળવારે ૭૨.૭૧ ટકા મતદાન સાથે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થઈ હતી. જો કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનાએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ૨.૫૧ ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો હતો.
લોકશાહીનો સૌથી મોટો પર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તા. ૭ મે ૨૦૨૪ને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિર્વિઘ્ને પૂર્ણ થતા સમગ્ર જિલ્લા ચૂંટણીએ રાહત અનુભવી છે.
વલસાડ બેઠક પર ચૂંટણી લડનાર ૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. જે તા. ૪ જૂનના રોજ વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. છેલ્લી ચાર લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૪માં વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ૫૨.૨૮ ટકા, ૨૦૦૯માં ૫૬.૧૧ ટકા, ૨૦૧૪માં ૭૪ ટકા અને ૨૦૧૯માં ૭૩.૯૩ ટકા મતદાન નોંધાયુ હતું. જયારે વર્ષ ૨૦૨૪માં જિલ્લાની પાંચ બેઠક પર ૭૧.૪૧ ટકા મતદાન થયું છે. વર્ષ ૨૦૧૯માં ૨૬- વલસાડ બેઠક પર ૭૫.૨૨ ટકા મતદાન નોંધાયું હતું. જયારે વર્ષ ૨૦૨૪માં ૭૨.૭૧ ટકા મતદાન થયું છે.
વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૬- વલસાડ લોકસભાની સાત બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર ૭૯.૫૪ ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ઉમરગામ બેઠક પર ૬૫.૧૨ ટકા નોંધાયું છે. જ્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જિલ્લાની પાંચ બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર ૮૩.૧૯ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન પણ ઉમરગામ બેઠક પર ૬૬.૭૮ ટકા નોંધાયું હતું. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ આ જ સિનારીયો જોવા મળ્યો હતો. ત્યારે પણ સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર ૮૦.૫૮ ટકા અને સૌથી ઓછુ મતદાન ઉમરગામ બેઠક પર ૬૭.૨૨ ટકા નોંધાયું હતું.
વલસાડ બેઠક પર પુરૂષોની તુલનામાં મહિલાએ વધુ મતદાન કર્યુ હતું. આ સિવાય ઉમરગામ બેઠક પર પુરૂષોની સરખામણીએ મહિલાઓએ ૧.૭ ટકા વધુ મતદાન કરી જાગૃત મતદારનો દર્શન કરાવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે જિલ્લાના તમામ મતદારોનો આભાર માન્યો હતો.
વર્ષ ૨૦૧૯માં જિલ્લામાં સૌથી વધુ ધરમપુરના હૈદરીમાં ૯૪.૮૯ ટકા જ્યારે ૨૦૨૪માં કપરાડાના ચીંચપાડા અરણાઈ- ૧ બુથ પર ૮૮.૩૩ ટકા મતદાન
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ટોપ ફાઈવ મતદારોની વાત કરીએ તો, જિલ્લામાં સૌથી વધુ મતદાન ધરમપુરના હૈદરી ગામના બુથ પર ૯૪.૮૯ ટકા, વલસાડના સુરવાડા ગામના બુથ પર ૯૧.૨૮ ટકા, ઉમરગામમાં નાહુલીના નિશાળ ફળિયા-૧ બુથ પર ૮૪.૫૦ ટકા, કપરાડાના સામરપાડા-૨ ના પારસી ફળિયા બુથ પર ૮૩.૧૯ ટકા અને પારડીમાં ઓરવાડ- ૩ બુથ પર ૭૯.૨૧ ટકા મતદાન નોંધાયું હતું. જયારે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ટોપ ફાઈવ પર નજર કરીએ તો, જિલ્લાની પાંચ બેઠક પર કપરાડાના ચીંચપાડા અરણાઈ-૧ બુથ પર સૌથી વધુ ૮૮.૩૩ ટકા, ત્યારબાદ ધરમપુર તાલુકાના ઉકતા -૩ બુથ પર ૮૭.૬૩ ટકા, પારડીના કુંભારીયા બુથ પર ૮૬.૪૦ ટકા, વલસાડ બેઠકના છરવાડા ગામના બુથ પર ૮૧.૯૩ ટકા અને ઉમરગામ બેઠક પર અગરમારા ફળિયા, પાલગામ- ૩ બુથ પર ૭૫.૭ ટકા મતદાન નોંધાયું છે.
૨૬- વલસાડની સાત બેઠક પર ૨૦૨૪ની ચૂંટણીમાં થયેલું મતદાન અને ટકાવારીની સ્થિતિ
૨૬- વલસાડની સાત બેઠક પર ૨૦૧૯ની ચૂંટણીમાં થયેલું મતદાન અને ટકાવારીની સ્થિતિ
૨૬ વલસાડ બેઠક પર વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં થયેલા મતદાનની તુલના