૧૭૩ ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળમાં સાંજે ૫ વાગ્યા સુધી નોધાયું અંદાજીત ૭૪.૪૮ ટકા મતદાન: ૨૬ વલસાડ (S .T.) સંસદીય મતવિસ્તાર માટે ૬૮.૧૨ ટકા મતદાન: રેકોર્ડ બ્રેક મતદાન તરફ ડાંગની આગેકૂચ

ગુજરાત એલર્ટ | આહવા
૨૬-વલસાડ (S.T.) સંસદિય મત વિસ્તારમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિસ્તારમાં સાંજે ૫ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૪.૪૮ ટકા જેટલુ મતદાન નોધાવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં ચાલી રહેલી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૭ મી મે-૨૦૨૪ નાં રોજ દેશમાં ત્રીજા ચરણના મતદાનની સાથે, ગુજરાતની ૨૬-વલસાડ (S.T.) બેઠક માટે પણ મતદાન યોજાવા પામ્યું હતું. જેમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળ માટે, સાંજે ૫ વાગ્યા સુધીમાં ૯૮,૬૨૫ પુરુષ મતદારો પૈકી ૭૪,૦૭૮ પુરુષ મતદારો, અને ૯૮,૩૮૧ સ્ત્રી મતદારો પૈકી ૭૨,૬૫૩ સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા, અહીં અંદાજીત ૭૪.૪૮ ટકા મતદાન નોધાવા પામ્યું છે.
દરમિયાન જિલ્લા ચુંટણી તંત્રે અહીં વધુમાં વધુ મતદાન થાય તે માટેના હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો. અહીં દિવ્યાંગ મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા, લઈ જવા માટે દસ જેટલા વિશેષ ‘સક્ષમ રથ’ની વ્યવસ્થા આનુશાંગિક સાધન સામગ્રી સાથે કરવામાં આવી હતી. સાથે જિલ્લાના મતદારો નિર્ભિક થઈ, પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત, લાઈવ વેબકાસ્ટિંગ, સી.સી.ટીવી કેમેરા, જિલ્લા કક્ષાએ વિવિધ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી, સમગ્ર પ્રક્રિયા ઉપર ચાપતી નજર રાખવામાં આવી હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ થીમ આધારિત મતદાન મથકો પણ ઉભા કરાયા હતા. જે અનુસાર જિલ્લમાં આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, સખી મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જિલ્લાના ૩૨૯ મતદાન મથકો ઉપર સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યું છે. જેના આખરી સત્તાવાર આંકડાઓ મોડી રાત્રે પ્રાપ્ત થઇ શકશે.
ડાંગ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી મહેશ પટેલની આગેવાની હેઠળ જિલાના ચુંટણી તંત્રે સમગ્ર ચુંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર વિસ્તારમાં ગત લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૪ દરમિયાન ૮૧.૩૩ ટકા, સને ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ૭૨.૬૪ ટકા, સને ૨૦૧૯ની લોકસભામાં ૮૧.૨૩, સને ૨૦૨૦ માં યોજાયેલી વિધાનસભાની પેટા ચુંટણીમાં ૭૩.૭૧ ટકા, અને સને ૨૦૨૨ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૮.૦૯ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું.
સવારના ૭ થી સાંજના પાંચ વાગ્યા સુધીના મતદાનના આ આંકડાઓ જોતા, અને હજી એક કલાકનું મતદાન બાકી છે ત્યારે, આ વેળા ડાંગમાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાવાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!