ગુજરાત એલર્ટ l આહવા
આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે કાંતિલાલ જે.પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-આહવા, નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટી મેડીકલ કોલેજ, ફલોરીડા (યુ.એસ.એ.), તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગત તા.૧૦ થી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાયેલા વિના મૂલ્યે ‘સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’નો ૧૭૦૫ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, આહવાના વનબંધુ આરોગ્ય ધામ ખાતે ગુજરાત રાજ્યના તજજ્ઞ ડોક્ટરોની ટીમની સાથે મળીને, અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા પ્રતિવર્ષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામા આવે છે.
જે મુજબ આ વર્ષે યોજાયેલા સાત દિવસિય કેમ્પ દરમિયાન સિસ્ટ રિમુવના દર્દીઓ, ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓ, દંતરોગ ના દર્દીઓ, દાંતની જુદી જુદી સારવાર જેવી કે ફિલિગ, દાંત કાઢવા તથા દાંતની સફાઈના દર્દીઓ, આંખ રોગના દર્દીઓ, ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ, આંખ રોગની દવાની જરૂરિયાત ધરાવતા દર્દીઓ, મોતીયાના ઓપરેશન માટેના દર્દીઓ, તથા અન્ય ખાસ પ્રકારના આંખ રોગને લગતા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
અહિ કુલ ૬૨૫ જેટલા આંખના ચશ્માનુ પણ વિતરણ કરાયુ હતુ. તેમ, વનબંધુ આરોગ્ય ધામના સંચાલિકા ડો.નિરાલી પટેલે જણાવ્યુ હતુ.