વલસાડના તિથલ બીચ ખાતે આયોજિત વુમન વોકેથોનમાં ૧૫૦૦ મહિલાઓએ ભાગ લીધો

ગુજરાત એલર્ટ । વલસાડ
ત્રયમ ફાઉન્ડેશનના ઉપક્રમે શિયાળાની સવારે રવિવારે વલસાડના તિથલ બીચ ખાતે વુમન વોકેથોનું અનેરું આયોજન થયું હતું જેમાં ૧૫૦૦ થી વધુ વલસાડ અને આસપાસના વિસ્તારોની મહિલાઓએ ભાગ લીધો હતો સવારે ૬.૦૦ કલાકે આયોજિત આ વોકેથોનનું પ્રસ્થાન ૯૦ વર્ષના વયોવૃદ્ધ મહિલાના હસ્તે ફ્લેગઓફ આપી કરાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા સમાહર્તા – કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ખુદ પોતે પણ આ વોકેથોનમાં ભાગ લઈ દોડ્યા હતા.

ત્રયમ ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થય, પર્યાવરણ અને શિક્ષા બાબતે વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે આજે સવારે ઉપસ્થિત તમામ દોડવીર મહિલાઓને પણ શરૂઆતમાં વોકેથોન થકી મહિલાઑ પોતાના સ્વાસ્થ્યની કઈ રીતે કાળજી રાખી શકે અને કાળજી કેમ રાખવી જોઈએ એની સમજ અપાઈ હતી આ સાથે આ વોકેથોન થકી વલસાડ અને આસપાસના ગામોમાં ઘરમાં નીકળતા સૂકા અને ભીના કચરા બાબતે લેવાની કાળજી અંતર્ગત ચાલતા અભિયાન “મારો કચરો, મારી જવાબદારી” વિશે ત્રયમ ફાઉન્ડેશના અગ્રણી ડો. ભૈરવી જોશીએ જણાવ્યું કે મહિલાઓ પોતાના ઘરે પ્લાસ્ટિક કચરો એકત્ર કરે છે જેને ત્રયમ ફાઉન્ડેશન મહિનામાં એક વખત કલેક્ટ કરે છે આજે વલસાડના ૫૦૦ જેટલા ઘરોમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો ત્રયમ ફાઉન્ડેશન દ્વારા એકત્ર થાય છે અને જે કચરાને રિસાઇક્લિંગમાં મોકલે છે અને જેનું ખાતર બનાવી ગરીબ ખેડૂતોને વહેચવામાં આવે છે જેથી ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો કરી ખેડૂતોને મદદરૂપ બની શકાય. નવા વર્ષમાં મહિલાઓ પાસે ડો ભૈરવી જોશીએ “દરરોજ ૨૦ મિનીટ થી અડધો કલાક પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવે અને બજારમાં ખરીદી કરતી વખતે ઓછામાં ઓછા પ્લાસ્ટિક નો વપરાશ થાય એનું ધ્યાન રાખે.” એવો પ્રણ લેવડાવ્યો હતો.
વલસાડ કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે “શહેરમાં સારું ઈન્ફ્રાસ્ટક્ચર અને સુવિધાઓ આપવાનું કામ સરકારનું છે પણ તેનો અમલ કરવો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવવાની અને શહેરને સાફ અને સુંદર રાખવાની જવાબદારી આપ સૌ નાગરિકોની પણ બને છે શહેરના નાગરિકોનો સાથ સહકાર મળશે એટલું જ અસરકારક રીતે સરકારી તંત્ર સરળતાથી સેવા આપી શકશે. એમ જણાવી આ કાર્યક્રમને અને ત્રયમ ફાઉન્ડેશનના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

આ વોકેથોનમાં વલસાડ અને આજુબાજુ ના વિસ્તારના લગભગ ૧૫૦૦ થી વધુ મહિલાઓ ઉત્સાહ સાથે જોડાઈ હતી. સવારે ૬:૦૦ કલાકે હેત ફિટનેશ હબ દ્વારા બધી મહિલાઓને પ્રી-વોકેથોન કસરત તરીકે પાવર ગરબા અને ઝુમ્બા કરાવવામાં આવ્યા હતા. એક ૯૦ વર્ષ ના દાદી કે જેમને પણ આ વોકેથોનમાં ભાગ લીધો હતો તેમના હસ્તે ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. વોકેથોન બાદ તનુજાબેન આર્ય જે ગુજરાત રાજ્ય પ્રભારી પતંજલિ યોગ સમિતિ ચલાવે છે તેમના દ્વારા યોગાસનના સેશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટી-શર્ટ, કોટન બેગ અને સ્ટીલની પાણીની બોટલ આપવામાં આવી હતી. કોટન બેગનો હેતુ બજારમાં ખરીદી કરતી વખતે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટેનો હતો જ્યારે સ્ટીલની પાણીની બોટલ આપવાનો હેતુ પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ ટાળવાનો હતો.
વિશેષમાં આ વોકેથોનનું તમામ આયોજન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. ભૈરવી જોષી, ખુશ્બુબેન વૈદ્ય, ચૈતાલીબેન રાજપૂત, વિભાબેન દેસાઈ અને નેહાબેન ખંડેધિયા મુખ્ય હતા આ વોકેથોનના આયોજનમાં એન.સી.સી ગ્રુપ, રોયલ ક્રુસર ગ્રુપ વલસાડ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ , હેત ફિટનેશ હબ, વલસાડ ટ્રાફિક પોલીસ, લોટસ હોસ્પિટલ અને વલસાડ રેસર્સ ગ્રુપે સહકાર આપ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!