ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલી ૩૨૫ પોસ્ટ ઓફીસમાં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ડાક ચોપાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૯ જાન્યુઆરી થી તા. ૨૫ જાન્યુઆરી દરમિયાન ડોર ટુ ડોર કેમ્પેન અને ગામે ગામ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ ઓફીસની વિવિધ યોજનાની જાણકારી જેવી કે, સેવિંગ્સ બેંક, રીકરીંગ ખાતા/મહિલા સન્માન ખાતા/ સુકન્યા સમૃદ્ધી યોજના ખાતા તથા પોસ્ટલ જીવન વીમા વગેરેની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોચાડવામાં આવી હતી.
આ કેમ્પેન દરમિયાન કુલ ૬૬૮૧ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા જેમાં ૩૨૯ સુકન્યા સમૃદ્ધી યોજના અને ૧૩૭ મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ અને ૨૬ – માય સ્ટેમ્પ ટપાલ ટીકીટ અને ગ્રામીણ ટપાલ વીમાની ૭૮૮ પોલીસી અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યુરન્સની ૧૦૨૦ વીમા પોલીસી વહેંચવામાં આવી હતી. વલસાડ ટપાલ વિભાગ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના સંદર્ભમાં વલસાડ જિલ્લાના ૧૨ ગામ (તિસ્કરી, ખારવેલ, બરૂમાળ, બીલપુડી, બામટી, નાહુલી, છીરી, રાતા, જુજવા, પંચલાઇ, ગોઈમા અને કકવાડી)માં ૦ થી ૧૦ વર્ષની દરેક બાળકી માટે સુકન્યા સમૃદ્ધિના કુલ ૨૮૪૬ ખાતા ખોલવામાં આવતા ઉપરોક્ત ૧૨ ગામોને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ વલસાડ હેડ પોસ્ટલ વિભાગના સિની. સુપ્રિટેન્ડન્ટ શ્રી ચિરાગ મહેતા (IPoS), ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ જી.પી.તલગાવકર અને સિનીયર પોસ્ટ માસ્ટર કનુભાઈ પી પારગીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો.
મુખ્ય મેહમાન તરીકે વલસાડની સ્નેહ સેવા સંસ્થાના પ્રમુખ પીનાકીનભાઈ કોઠીએ હાજરી આપી હતી. ડાક ચોપાલ અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં પોસ્ટ ખાતાની અલગ અલગ યોજનાની માહિતી સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચે અને તેનો બહોળો પ્રચાર થાય તે રીતે લોકોને આપવામાં આવી અને પોસ્ટ ઓફિસમાં ચાલતી આ યોજનાઓનો વધુ માં વધુ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાઓની પાસબૂકનું વિતરણ પણ મુખ્ય મહમાનો દ્વારા બાળકીઓને વાલીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભારતીય ટપાલ વલસાડ વિભાગના સિની. સુપ્રિટેન્ડન્ટ શ્રી ચિરાગ મેહતા (IPoS) વલસાડ ડિવિઝન દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.