સ્વાસ્થ્ય જાગૃતિ સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ
ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા કાર્યરત ગૃપ વલસાડ રેસર્સ દ્વારા 4 જૂનને રવિવારે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ લાવવા દરિયાકિનારે 5 કિમી અને 3 કિમીની દોડ રાખી વૃક્ષારોપણનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ બીચ રન સાથે રેસર્સ ગૃપના સથવારે તિથલ દરિયાકિનારે 1111 છોડનું વૃક્ષારોપણ કરાયું હતુ.
વલસાડમાં અવાર-નવાર સ્વાસ્થ્ય જાગૃતિ માટે મેરેથોન અને સાયક્લોથોન યોજનાર વલસાડ રેસર્સ ગૃપ દ્વારા યોજાયેલી 3 કિમીની અને 5 કિમીની બીચ રનમાં વલસાડના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા. આ રન સ્વામિનારાયણ મંદિર નજીકના બીચ પરથી વહેલી સવારે 6 કલાકે શરૂ થઇ હતી. રન અગાઉ વોર્મ અપ એક્સરસાઇઝના બદલે આગામી યોગ દિવસને ધ્યાને રાખી પ્રિતિબેન પાંડે દ્વારા યોગનું વોર્મઅપ કરાવાયું હતુ. ત્યારબાદ રન શરૂ કરાઇ હતી. રનમાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થાય તો તેના માટે લોટસ હોસ્પિટલ દ્વારા મેડિકલ સપોર્ટ સિસ્ટમ તૈયાર રખાઇ હતી. સમગ્ર કાર્યક્રમમાં પિયુષભાઇ ટંડેલ, નિખિલ ભાનુશાળી, પ્રેમ ઋષિએ ફોટોગ્રાફીની સેવા આપી હતી. દોડ પૂરી થયા બાદ અલ્પાહાર કરી મહત્તમ દોડવીરોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ શુધ્ધિકરણનો પ્રયાસ હાથ ધર્યો હતો.
વલસાડ રેસર્સ ગૃપના પ્રણેતા ડો. કલ્પેશ જોષી, ઉદ્યોગપતિ પ્રસાદ ગંગાવકર, યતીન પટેલ, પ્રિતેષ પટેલ, નિતેષ પટેલ વગેરેએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. જેમાં શહેરના ડોક્ટરો, પત્રકારો, વકીલ, વેપારીઓ, નોકરિયાતો સહિતના દોડવીરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ રનમાં બાળકો મોટી સંખ્યામાં જોડાતા બાળકોનાં પ્રયાસને બિરદાવાયો હતો.