વલસાડ: વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ૧૫ ગામોમાં તબક્કાવાર પ્રથમ ડોઝની રસીકરણ કામગીરી પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરનારું પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. આ કામગીરી પૂર્ણ કરવામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ પટેલ તથા તેમની ટીમનું મહત્ત્વનું યોગદાન રહયું છે. જે જિલ્લાનાં બીજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.
પ્રા.આ.કેન્દ્ર ગોરગામના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ તથા વહીવટી સ્ટાફને ૧૦૦ ટકા રસીકરણ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ ઉપરાંત વલસાડ તાલુકાના ધરાસણા પી.એચ.સી. હેઠળ આવતા કુલ ૧૨ ગામોમાં પાત્રતા ધરાવતા ૯૭ ટકા વ્યક્તિઓને પ્રથમ ડોઝથી રક્ષિત કરવામાં આવ્યા છે. આગામી ૨ થી ૩ દિવસોમાં બાકી રહેલા વ્યક્તિઓની રસીકરણ કામગીરી પુર્ણ કરવાનું આયોજન કરાયું છે.
વલસાડ જિલ્લામાં કોવિડ -૧૯ ની ત્રીજી લહેરથી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન સુદૃઢ રીતે ચાલી રહયું છે. આ અભિયાનમાં વલસાડ તાલુકામાં રસીકરણ માટે પાત્રતા ધરાવતાં વ્યક્તિોનો ખુબજ સારો પ્રતિસાદ જોવા મળી રહયો છે, અને ખાસ કરીને યુવાવર્ગ ખુબજ ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે. હાલ વલસાડ જિલ્લાના ૪૮ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પુર્ણ કરવામાં આવી છે, જેમાં વલસાડ તાલુકાનાં ૨૭ ગામોનો સમાવેશ થાય છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કમલ ચૌધરીની આગેવાની હેઠળ વલસાડ તાલુકામાં ગામોનાં સરપંચ, આગેવાનો, સમાજના અગ્રણીઓ, વેપારીઓ સાથે સતત સંપર્કમાં રહી સૌનો સાથ-સહકાર અને સહયોગ મેળવી આ સિધ્ધી મેળવવામાં સફળ રહયા છે. મેડિકલ ઓફિસર સાથે સતત સંકલન રાખી પાત્રતા ધરાવતા વ્યક્તિઓનાં સમયને અનુરૂપ રસી મળી રહે તેવા ઉદ્દેશથી તાલુકામાં રાત્રિ સેશનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોવિડ-૧૯ રસીકરણ માટે પાત્રતા ધરાવતા વધુમાં વધુ નાગરિકોને રસીકરણનો લાભ આપી કોરોના વાઇરસનાં સંકમણથી બચાવવા માટેનાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
કોવિડ – ૧૯ ૨સીકરણનો લાભ લીધા બાદ પણ સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.
વલસાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ગોરગામ હેઠળનાં તમામ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ સંપન્ન
