ગુજરાત એલર્ટ | વલસાડ
“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના ૨૨ જાન્યુઆરી વર્ષ ૨૦૧૫ થી શરૂ કરવામાં આવી હતી અને તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આ યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની થીમ પર તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી લઈ તા. ૮ માર્ચ ૨૦૨૫ સુધી જિલ્લામાં અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમો કરવામાં આવશે.
જે અંતર્ગત તા.૨૨/૦૧/૨૦૨૫ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા લોક વિદ્યાલય સ્કૂલ ઉંટડી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુ એચ. પટેલ દ્વારા દીકરીઓને સુરક્ષા માટેની સમજણ, સ્વરક્ષણ અંગે માહિતી આપી અને દીકરીએ પણ પોતે પોતાની સુરક્ષા કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. સ્નેહાલીબેન પટેલ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની અને તેમની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. દિવિશાબેન પટેલ, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની અને તેમની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. કવિતાબેન ટંડેલ, બાળ સુરક્ષા એકમ વલસાડ દ્વારા પોકસો એક્ટ-૨૦૧૨, બાળ લગ્ન ધારો -૨૦૦૬ની વિગતવાર માહિતી દીકરીઓને આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વિમેનના જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર જિગ્નેશભાઇ પટેલ, વલસાડ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની સંપૂર્ણ માહિતી આપી અને મહિલા અને બાળ અધિકારીની ચાલતી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.
વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બેટી બચાવો બેટી પઢાવો યોજનાની થીમ પર સિગ્નેચર ડ્રાઈવ કેમ્પઇન કરવામાં આવ્યું હતું. ઉંટડીની લોક વિદ્યાલય સ્કૂલના પ્રાથમિક શાળાના આચાર્યા ભાવનાબેન મિસ્ત્રીએ આભારવિધિ કરી “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત તેમની કામગીરી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં, લોક વિદ્યાલય સ્કૂલ ઉંટડીના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડી વર્કર બહેનો, મહિલા પોલીસ સ્ટેશન વલસાડ સી-ટીમ, ડુંગરી પોલીસ સ્ટેશન સી-ટીમ અને દેસાઈ ફાઉન્ડેશનનો સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.