વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસકર્મી મહેન્દ્રભાઇ બલીરામ નાઇકે આજરોજ પોતાના ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતુ. વરિષ્ઠ પોલીસકર્મીના આપઘાતના કારણે જિલ્લા પોલીસ બેડામાં દુખની લાગણી ફેલાઇ ગઇ છે. વલસાડના મોગરવાડીના પ્રમુખ ગ્રીનમાં રહેતા અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ(ઉ.વ.54) છેલ્લા કેટલાક સમયથી ડુંગરી પોલીસ મથકે પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પીડાતા હતા. જેના કારણે તેમણે શનિવારે સવારે પોતાના ઘરે રૂમમાં જઇ જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો અને તેણે ગળે ટુંપો દઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ તેમજ અન્ય પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો. તેમણે મહેન્દ્રભાઇના મૃતદેહને નીચે ઉતારી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.