ખેરગામ તાલુકાના બહેજ ગામે રહેતા 20 વર્ષીય યુવક ખેરગામથી બહેજ તરફ જઈ રહ્યો હતો,ત્યારે સામેથી આવતી પિયાગો રીક્ષા સાથે તેની બાઇકને અકસ્માત થતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં લઈ જવાયો હતો,પરંતુ યુવાનનું કરુણ મોત થતા તેના પરિવારજનો તથા મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ખેરગામ તાલુકાના બહેજ દેસાઈ ફળિયામાં રહેતા કૌશિક ઉત્તમભાઈ પટેલ ઉ.વ.20 જેઓ તેમના કાકાની દીકરી ખુશ્બુ સાથે હીરો પેશન બાઇક ઉપર કોઈક કામ અર્થે ખેરગામ ગયા હતા,જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે બહેજથી પાટી જતા રોડ ઉપર વળાંકમાં ટંડેલની વાડી પાસેથી પસાર થતી વેળા આશરે પોણા સાતેક વાગ્યાના સમયે પાટી તરફથી આવતી પુરઝડપે એક પિયાગો રીક્ષા કૌશિકની બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો,જેમાં કૈશિક બાઇક ઉપરથી નીચે રોડ પર ફેંકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી,જ્યારે પાછળ બેઠેલી ખુશ્બુને સામાન્ય ઇજા થઇ હતી.દરમ્યાન સ્થળ ઉપર તેમના પરિવારજનો અને ગ્રામજનો આવી પહોંચી તેને પ્રથમ ખેરગામની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ વલસાડના તબીબે મરણ ગયેલા હોવાનું જણાવતા તેના પરિવારમાં ભારે ગમગીની ફેલાય જવા પામી હતી.અકસ્માત બાદ રીક્ષા ચાલક પોતાનું વાહન મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.મારનાર કૌશિકના કાકા દિનેશભાઇ નગીનભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકમાં પિયાગો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ મામલે પીએસઆઇ ગૌરવ પટેલે વધુ તપાસ હાથ ધરી છે