ધરમપુર નગરપાલિકાને કોરોના સંક્રમણ અટકાવવા ‘મારો વૉર્ડ કોરોના મુક્‍ત વૉર્ડ’ અભિયાન હાથ ધરાશે

વલસાડ
વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરે ‘મારો વૉર્ડ કોરોના મુક્‍ત વૉર્ડ’ અભિયાન અંતર્ગત ધરમપુર નગરપાલિકાના પદાધિકારીઓ /અધિકારીઓ સાથે નગરપાલિકા ખાતે બેઠક યોજી હતી. બેઠક બાદ મંત્રીશ્રીએ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્‍ટરની મુલાકાત લીધી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ સમગ્ર નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે-ઘરે સર્વેક્ષણની કામગીરી એક દિવસમાં પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. વોર્ડ દીઠ કોરોના સંક્રમણને અટકાવવા માટે વ્‍યાપક જનજાગૃતિ લાવવાની સાથે શરદી, ઉધરસ, તાવ જેવા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સમયસર સારવાર મળી રહેશે તો તેને રોગમાંથી છૂટકારો મળશે અને કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાશે. શહેરમાં અન્‍ય કોઇ બીમારી ન ફેલાય તે માટે સમગ્ર નગરની સફાઈ નિયમિતપણે થાય, સેનેટાઇઝેશન થાય તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ થાય તે જોવા પણ જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા અગમચેતીના પગલાં લેવા તેમજ વૃક્ષો પડવાની ઘટનામાં વન વિભાગે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન રાખી કામગીરી કરવા જણાવ્‍યું હતું. કોરોનાના દર્દીઓની સારવાર આપતી હોસ્‍પિટલોમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે હેતુસર જનરેટર સેટ ઉપલબ્‍ધ રાખવા પણ જણાવ્‍યું હતું.
આ બેઠકમાં ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, ધમપુર પ્રાંતઅધિકારી માર્ગ અને મકાન, પાણી પુરવઠા, જી.ઇ.બી.ના અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સભ્‍યો, શહેર અગ્રણીઓ હાજર રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!